લંડનઃ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન સામે તાકાતના આક્રમક પ્રદર્શન સ્વરુપે યુકે, યુએસ અને ઈયુએ રશિયન ઓઈલ અને ગેસની આયાતો બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. યુકે અને ઈયુએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે પરંતુ, એનર્જી સેક્ટર પર પ્રતિબંધોથી દૂર રહ્યા હતા. યુકે 2022ના અંત સુધીમાં રશિયન ગેસની ખરીદી તબક્કાવાર બંધ કરશે અને યુરોપિયન કમિશને રશિયન ઓઈલ અને ગેસ પરનો આધાર બે તૃતીઆંશ જેટલો ઘટાડવાની યોજના જાહેર કરી છે. પોતાની એનર્જી જરૂરિયાતો માટે રશિયા પર ભારે નિર્ભરતા ધરાવતા ઈયુએ 2030 પહેલા રશિયન ફ્યૂલ પરના આધારથી મુક્તિ મેળવવાની ખાતરી ઉચ્ચારી છે.
યુક્રેન પર આક્રમણ કર્યા પછી રશિયા પર લદાયેલા આર્થિક તેમજ ગેસ અને ઓઈલની ખરીદીના પ્રતિબંધોના પગલે બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે રશિયન ઓઈલ અને ઓઈલ પ્રોડક્ટ્સની આયાત બંધ કરવાની જાહેરાત કરી છે.
બિઝનેસ સેક્રેટરી ક્વારટેન્ગે કહ્યું છે કે વર્ષના બાકી સમયગાળામાં બિઝનેસીસને નવા વિકલ્પો શોધવામાં સપોર્ટ કરવા સરકાર નવા ટાસ્કફોર્સની રચના કરશે. આ ટ્રાન્ઝિશનમાં ગ્રાહકોએ સહન કરવું પડે નહિ તેની પણ સરકાર ચોકસાઈ રાખશે. ક્વારટેન્ગે કહ્યું હતું કે 9 મહિનામાં તબક્કાવાર આયાત બંધ કરવા સાથે રશિયન ઈમ્પોર્ટ્સને બદલવા માર્કેટ, બિઝનેસીસ અને સપ્લાય ચેઈન્સને પુરતો સમય મળી રહેશે. હાલ રશિયન આયાતો યુકેની કુલ માગના 8 ટકા જથ્થો પૂરો પાડે છે. ક્વારટેન્ગે કહ્યું હતું કે બ્રિટન રશિયન નેચરલ ગેસ પર આધારિત નથી જે યુકેના કુલ સપ્લાયના 4 ટકા જેટલું જ છે. આના બદલે નવો વિકલ્પ પણ શોધાઈ રહ્યો છે.
વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે આ પગલાંથી મોસ્કોને નુકસાન જશે પરંતુ, બ્રિટિશ ફર્મ્સ અને ગ્રાહકોને અસર ન થાય તે રીતે તેનો અમલ કરવામાં આવશે. યુરોપીય દેશોની સરખામણીએ યુકે રશિયા પર ઓછું આધારિત છે પરંતુ, ડિઝલ રશિયાથી આવે છે અને તેને રાતોરાત બંધ કરી શકાય નહિ તેમ પણ જ્હોન્સને કહ્યું હતું. રશિયાની ઓઈલ અને ગેસ રેવન્યુ બંધ કરવા ઝેલેન્સ્કીની વિનંતીના પગલે યુએસ પ્રમુખ જો બાઈડેને પણ રશિયન ઓઈલની અમેરિકી આયાતો બંધ કરવાની જાહેરાત કરી છે.


