નવી દિલ્હી,લંડનઃ ભારત સરકાર દ્વારા પેરાસિટામોલ સહિત ૨૬ જેટલી દવાઓ તથા મેડિકલ સામગ્રીની નિકાસ ઉપર નિયંત્રણો લદાતાં યુરોપ, યુકે તથા યુ.એસ. સહિતના વૈશ્વિક દવા-બજારમાં ભયનો માહોલ સર્જાયો છે. યુકે માટે ભારત ત્રીજા ક્રમનો દવાઓનો નિકાસકાર દેશ હોવાથી ચિંતા સર્જાઈ છે. યુએસ સહિત સમગ્ર વિશ્વમાં દવાઓના સ્ટોક પર આની કેવીક અસરો પડશે તે બાબતે યુરોપિયન નિકાસકારોમાં વધારે ડર જોવા મળે છે.
ભારત સરકારે પેરાસિટામોલ (એસેટામિનોફેન) ઉપરાંત ટિનિડાઝોલ, એરાયથ્રોમાઇસિન, હોર્મોન પ્રોજેસ્ટેરોન, વિટામિન બી-12 તથા અછબડા તથા હર્પીસ (ચામડીની બીમારી)ની સારવારમાં વપરાતી એસિક્લોવિર સહિત 26 મેડિસિન્સની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારત બ્રિટન માટે ત્રીજા ક્રમનો સૌથી મોટો દવા તથા ફાર્માસ્યુટિકલનો નિકાસકાર દેશ છે, તો યુએસમાં લગભગ ચોથા ભાગની દવાની નિકાસ કરવામાં આવે છે. ભારતીય દવાકંપનીઓ મુક્તપણે દવાઓની નિકાસ કરી નહીં શકે, અને તેમને લાયસન્સ લેવું જ પડશે
ભારત દુનિયાનું સૌથી મોટું જેનેરિક દવાઓ ઉત્પાદન કરતું રાષ્ટ્ર છે પરંતુ, ચીનમાં કોરોના વાઇરસના કારણે દવાના પુરવઠાને ભારે અસર પહોંચી હોવાથી ડોમેસ્ટિક પુરવઠા બાબતે ચિંતાનું વાતાવરણ છે. જોકે, ભારતની દવાકંપનીઓ નિકાસ મર્યાદાઓ સામે લડી રહી છે. જેનેરિક દવાઓની બાબતમાં યુરોપિયન ફોર્મ્યુલેશનોના ૨૬ ટકા હિસ્સા પર ભારતનો અંકુશ છે અને યુરોપના દેશો ભારતીય ફોર્મ્યુલેશનોની ઉપર વધુ નિર્ભર હોવાથી ભયનો માહોલ છે.