લંડનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ગુરુવારે નવી ટેકનોલોજી ભાગીદારી માટે હસ્તાક્ષર કર્યાં હતાં. નોર્થ લંડનમાં ચેકર્સ ખાતેના સ્ટાર્મરના સત્તાવાર કન્ટ્રી રેસિડેન્સની મુલાકાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ન્યુક્લિયર પાવર સેક્ટરમાં રોકાણો માટે 350 બિલિયન પાઉન્ડના કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં. વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આ કરારોમાં જીવનો બદલી નાખવાની ક્ષમતા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને કેર સ્ટાર્મરે અમેરિકા અને યુકે વચ્ચેના કરારને ટેક પ્રોસ્પેરિટી ડીલ તરીકે ઓળખાવ્યો હતો. આ કરાર અંગે વધુ સ્પષ્ટતા કરાઇ નથી પરંતુ સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આ કરારને પગલે યુકેમાં 15000 નવી નોકરીનું સર્જન થશે અને 12 નવા એડવાન્સ્ડ ન્યુક્લિયર રિએક્ટરના નિર્માણ માટે મૂડીરોકાણ આવશે. તેનાથી યુકેની ઉર્જા જરૂરિયાતો સંતોષી શકાશે.
અમેરિકી પ્રમુખે જણાવ્યું હતું કે, આ કરારને પગલે 50 બિલિયન અમેરિકન ડોલરની ઇકોનોમિક વેલ્યૂનું સર્જન થશે. અમેરિકામાં 2500 નોકરીનું સર્જન થશે અને 1.5 મિલિયન ઘરોને વીજળી પૂરી પાડી શકાશે.
વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, નવા કરારને પગલે ન્વિદિયા એન સ્કેલ, ઓપન એઆઇ, ગૂગલ, સેલ્સફોર્સ અને અન્ય કંપનીઓ દ્વારા બ્રિટનમાં મોટાપાયે મૂડીરોકાણ કરાશે જે આગામી વર્ષોમાં બ્રિટનમાં નવી નોકરીઓનું સર્જન કરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ કરારમાં ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, ફ્યુઝન, 6જી અને સિવિલ ન્યુક્લિયર એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ઉભરી રહેલી નવી ટેકનોલોજીની માગના કારણે નવા ન્યુક્લિયર રિએક્ટર અત્યંત જરૂરી છે. તેના દ્વારા લાખો ઘરો અને બિઝનેસની વીજળીની જરૂરિયાત પૂરી કરી શકાશે.


