યુકે અને ઇયુ વચ્ચે નોર્ધન આયર્લેન્ડ મામલે નવી પોસ્ટ બ્રેક્ઝિટ સંધિની જાહેરાત

અસલ એનઆઇ પ્રોટોકોલમાં બદલાવ કરીને અમે નિર્ણાયક સફળતા હાંસલ કરી છે – રિશી સુનાક, નવી સંધિ નોર્ધન આયર્લેન્ડના તમામ સમુદાયના લોકો માટે વ્યવહારૂ ઉકેલ – યુરોપિયન કમિશનના વડા

Tuesday 28th February 2023 11:12 EST
 
 

લંડન

નોર્ધન આયર્લેન્ડ મામલે લાંબાસમયથી ચાલ્યા આવતા વેપાર વિવાદનો ઉકેલ લાવવાના હેતૂથી યુનાઇટેડ કિંગડમ અને યુરોપિયન યુનિયન વચ્ચે નવી પોસ્ટ બ્રેક્ઝિટ સંધિની જાહેરાત કરાઇ છે. યુકેના વડાપ્રધાન રિશી સુનાક અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેક લિયેન વચ્ચે વિન્ડસર ખાતેની ઉચ્ચ સ્તરીય મંત્રણા બાદ આ સંધિની જાહેરાત કરાઇ હતી. આ સંધિના પગલે વિવાદાસ્પદ નોર્ઘન આયર્લેન્ડ પ્રોટોકોલમાં સુધારા થશે. મંત્રણા બાદની પત્રકાર પરિષદમાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, અમે એક નિર્ણાયક સફળતા હાંસલ કરી છે.અમે અસલ પ્રોટોકોલમાં બદલાવ કર્યો છે અને નવા વિન્ડસર ફ્રેમવર્કની જાહેરાત કરી રહ્યાં છીએ. ઉર્સુલાએ પણ સંધિને વધાવી લેતાં જણાવ્યું હતું કે, આ નોર્ધન આયર્લેન્ડના તમામ સમુદાયના લોકો માટે એક વ્યવહારૂ ઉકેલ છે. વિન્ડસર ફ્રેમવર્ક આપણને નવું પ્રકરણ શરૂ કરવાની તક આપશે. વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે નવી સંધિ પર બ્રિટિશ સંસદ મહોર લગાવશે. આ સાથે યુકે અને યુરોપિયન યુનિયન વચ્ચે નવા યુગનો પ્રારંભ થઇ રહ્યો છે.

નવી વ્યવસ્થા યુકેમાંથી નોર્ધન આયર્લેન્ડમાં જતા માલસામાનની ચકાસણી સરળ બનાવશે. નોર્ધન આયર્લેન્ડની ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટી નવી વેપાર વ્યવસ્થાની જોગવાઇઓનો અભ્યાસ કરી રહી છે. જેફરી ડોનાલ્ડસને જણાવ્યું હતું કે, સંખ્યાબંધ મામલાઓમાં નોંધપાત્ર પ્રગતિ કરાઇ છે પરંતુ કેટલાક મહત્વના મુદ્દાઓ પર હજુ ચિંતા પ્રવર્તી રહી છે.

નવું વિન્ડસર ફ્રેમવર્ક

1 ગ્રીન અને રેડ લેન

-         બ્રિટનથી જતો નોર્ધન આયર્લેન્ડ માટેનો સામાન નવી ગ્રીન લેનમાંથી પસાર થશે, યુરોપિયન યુનિયનમાં જતા સામાન માટે નવી રેડ લેનની વ્યવસ્થા

-         ગ્રીન લેન દ્વારા નોર્ધન આયર્લેન્ડમાં જતા સામાનની ચકાસણી અને પેપર વર્કમાં ઘટાડો

-         યુરોપિયન યુનિયનમાં જતા સામાનની ચકાસણી અગાઉની જેમ યથાવત

-         હવે બ્રિટનમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થો નોર્ધન આયર્લેન્ડમાં પણ ઉપલબ્ધ થશે

-         દાણચોરીની સંભાવના લાગે તેવા સામાનની ગ્રીન લેનમાં પણ ચકાસણી થશે

-         નોર્ધન આયર્લેન્ડથી બ્રિટનમાં સામાન મોકલવા માટે એક્સપોર્ટ ડેકલેરેશનની જરૂર નહીં રહે

-         બ્રિટનથી નોર્ધન આયર્લેન્ડ જતા કેટલાક ચોક્કસ સામાન પરનો પ્રતિબંધ દૂર થશે

-         સીડ પોટેટો અને 11 પ્રકારના બ્રિટિશ વૃક્ષો પરનો પ્રતિબંધ પણ દૂર થશે

2 પાલતુ પ્રાણી, પાર્સલ અને દવાઓ

-         નોર્ધન આયર્લેન્ડથી બ્રિટન મોકલાતા પાલતુ પ્રાણીઓ માટે નવી કોઇ જોગવાઇ નહીં

-         બ્રિટનથી નોર્ધન આયર્લેન્ડ જતા પાલતુ પ્રાણીના માલિકે તેમનું પ્રાણી ઇયુમાં નહીં જાય તેની બાંયધરી આપવી પડશે

-         નોર્ધન આયર્લેન્ડમાં ઉપયોગમાં લેવાનારી દવાઓને હવે યુકેના રેગ્યુલેટર મંજૂરી આપશે

-         પાર્સલ માટે ફૂલ કસ્ટમ ડેકલેરેશનની જરૂર રહેશે નહીં

3 વેટ અને આલ્કોહોલ ડ્યુટી

-         આલ્કોહોલિક ડ્રિંક્સ અને હીટ પમ્પ જેવા ઇમમૂવેબલ ગૂડ્સ પર યુકેના વેટ અને એક્સાઇઝ નિયમો લાગુ થશે

-         કેટલાક અન્ય સામાન પર ઇયુના વેટ રૂલ્સ લાગુ રહેશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter