યુકે અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે વેપાર સમજૂતી

Wednesday 27th October 2021 06:59 EDT
 
 

લંડનઃ યુકે અને ન્યૂ ઝીલેન્ડની સરકારોએ બુધવાર, ૨૦ ઓક્ટોબરે વેપાર સમજૂતી થયાની જાહેરાત કરી હતી. વડા પ્રધાનો બોરિસ જ્હોન્સન અને જેસિન્ડા આર્ડર્નેએ ઝૂમ કોલ દ્વારા સમજૂતીને સીલ કરી હતી. તેઓએ આ સૈદ્ધાંતિક સમજૂતીને સંપૂર્ણ મુક્ત વ્યાપાર સમજૂતી તરફનું કદમ ગણાવ્યું હતું. સરકારે જણાવ્યું હતું કે આ સમજૂતીથી બ્રિટન અને ન્યૂ ઝીલેન્ડના નાગરિકો કામ માટે એકબીજાના દેશમાં પ્રવાસને સરળ બનાવી શકશે. જોકે, બ્રિટિશ ફાર્મર્સે સમજૂતીને આવકારી નથી.

આ વેપાર સમજૂતીના લાંબા ગાળાના ફાયદાઓમાં એક પ્રમાણમાં ઓછી વસ્તી અને હાલ મર્યાદિત આર્થિક મૂલ્યાંકન ધરાવતા ન્યૂ ઝીલેન્ડને સેવાઓનું વેચાણ બ્રિટિશ બિઝનેસીસ માટે સરળ બનશે. યુકે અને ન્યૂ ઝીલેન્ડનો ૨૦૨૦માં દ્વિપક્ષી વેપાર ૨.૩ બિલિયન પાઉન્ડનો હતો. સર્વિસીસ બાબતે પોતાની માર્કેટ ઓફર સુધારવાના ન્યૂ ઝીલેન્ડના છેલ્લી ઘડીના ઈનકારના પગલે ઓગસ્ટમાં વેપાર સમજૂતી શક્ય બની ન હતી.

હવે આ સમજૂતી ઓસ્ટ્રેલિયા સાથે બિઝનેસ ટ્રાવેલ જેવા ક્ષેત્રોમાં કરાયેલી જોગવાઈઓ જેવી જ ઓફર કરશે તેમ કહેવાય છે. ન્યૂ ઝીલેન્ડના માર્કેટમાં કામ કરવા ઈચ્છુક કોન્ટ્રાક્ટ્યુઅલ સર્વિસીસ સપ્લાયર્સ માટે ટ્રાવેલ જરૂરિયાતો હળવી બનાવશે જે યુકેની કોઈ પણ વેપાર સમજૂતીમાં પ્રથમ પ્રકારની છે. આના બદલામાં યુકે ઘેટાં જેવા ચોક્કસ એગ્રીકલ્ચર ઉત્પાદનો માટે વ્યાપક માર્કેટ પહોંચ પૂરી પાડશે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે આ સમજૂતી ન્યૂ ઝીલેન્ડ સાથે દીર્ઘકાલીન મૈત્રીને મજબૂત બનાવશે. મંગળવારના ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં જાહેર કરાયેલા ૯.૭ બિલિયન પાઉન્ડના ઈન્વેસ્ટના પગલે આ સમજૂતી આવી હતી.

ન્યૂ ઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને કહ્યું હતું કે આ સમજૂતી વિશ્વમાં અગ્રેસર તેમજ આપણા અર્થતંત્રો, આપણા બિઝનેસીસ અને લોકો માટે સારી છે.

વ્યાપક વેપારક્ષેત્ર–૧૧ સભ્યના કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પાસિફિક પાર્ટનરશિપ (CPTPP) માં સામેલ થવાના યુકેના પ્રયાસોમાં આ સમજૂતી મહત્ત્વપૂર્ણ બની રહેશે. સરકારે જણાવ્યું હતું કે સુધારેલી બિઝનેસ ટ્રાવેલ વ્યવસ્થાથી યુકેના વર્કર્સને લાભ મળશે તેમજ લોયર્સ અને આર્કિટેક્ટ્સ જેવા પ્રોફેશનલ્સ સરળતાથી ન્યૂ ઝીલેન્ડમાં કામ કરી શકશે. યુકે અને ન્યૂ ઝીલેન્ડ સમજૂતીની એક અસરરૂપે ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટશે. જોકે, ગ્રાહકો માટે તત્કાળ ભાવઘટાડો જોવા નહિ મળે પરંતુ, બિઝનેસીસ માટે એક્સપોર્ટ માર્કેટ વધુ આકર્ષક બની શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter