લંડનઃ યુકેના સાયન્સ, રિસર્ચ અને ઇનોવેશન મિનિસ્ટર જ્યોર્જ ફ્રીમેને જણાવ્યું હતું કે, ભારત અને યુકે અંતરિક્ષ ક્ષેત્રે સહકાર વધારતાં એકબીજાના સ્પેસ ક્લસ્ટરને સાંકળશે. તેનો પ્રારંભ લેસ્ટર સ્પેસ પાર્કથી કરાશે. લોઅર અર્થ ઓબ્ઝર્વેશન ઓરબીટના સુચારૂ ઉપયોગ અને સેટેલાઇટ કોમ્યુનિકેશન રેગ્યુલેશનમાં સારી કામગીરી વચ્ચે બંને દેશ વચ્ચે હાલ મંત્રણા ચાલી રહી છે.
ફ્રીમેને જણાવ્યું હતું કે, બંને દેશ ન્યૂક્લિયર એનર્જીના ક્ષેત્રે સહકાર વધારવાની સાથે ન્યૂક્લિયર ફ્યુઝન અને ફિઝનમાં પણ સહકાર વધારવા વિચારણા કરી રહ્યાં છે. અમે યુકેના સ્પેસ ક્લસ્ટર પાર્કને ભારતીય સ્પેસ પાર્ક સાથે સાંકળવા વિચારણા કરી રહ્યાં છીએ. જેથી આપણે સ્પેસ ઇકોનોમીમાં આગળ વધી શકીએ અને કોમર્શિયલ સ્પેસ ઇકોનોમી સેક્ટરમાં યુકેના વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરતા યુવા ભારતીય વૈજ્ઞાનિકોની પેઢીની કુશળતાનો ઉપયોગ કરી શકીએ.
ગયા સપ્તાહમાં મુંબઇ ખાતે આયોજિત જી-20ના સાયન્સ મિનિસ્ટરની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ફ્રીમેને ભારતના વિજ્ઞાન મંત્રી જિતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુકે સમગ્ર દેશમાં પથરાયેલા સ્પેસ ક્લસ્ટરમાં મૂડીરોકાણ કરી રહ્યો છે. યુકે કોમર્શિયલ ગ્લોબલ સ્પેસ ઇકોનોમીના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
ભારત અને યુકે સેમી કન્ડક્ટર અને એઆઇમાં સહયોગ કરશે
લંડનઃ ભારત અને યુકે વચ્ચે એડવાન્સ્ડ સાયન્સમાં સહકારને વેગ આપવા આ વર્ષે કરાર થાય તેવી સંભાવના છે. યુકેના સાયન્સ મિનિસ્ટર જ્યોર્જ ફ્રીમેને જણાવ્યું હતું કે, આ કરાર દ્વારા બંને દેશ સેમી કન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ) પર સાથે મળીને કામ કરશે. આગામી બે વર્ષમાં યુકે દ્વારા ભારતમાં સેમી કન્ડક્ટર સેક્ટરમાં મોટાપાયે મૂડીરોકાણ કરાશે. તાજેતરમાં જ યુકેની SRAM & MRAM ટેકનોલોજીસે ભારતી સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમમાં રૂપિયા 30,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.


