લંડનઃ ગયા સપ્તાહમાં ભારતની મુલાકાત દરમિયાન યુકે અને ભારત વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનાવતાં યુકેના મિનિસ્ટરોએ 100 મિલિયન પાઉન્ડના 17 નવા એક્સપોર્ટ અને ઇન્વેસ્ટમેન્ટ કરારોની ઘોષણા કરી હતી.
બ્રિટનના બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ અને ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર પોપી ગુસ્તાફસને ભારત પહોંચેલા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. તેમના મતે નવા કરારો બંને દેશ વચ્ચેના વેપાર સંબંધને વધુ મજબૂત બનાવી સેંકડો નવી નોકરીઓનું સર્જન કરશે.
બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, યુકેના અર્થતંત્રમાં વિકાસ માટે ટેક અને લાઇફ સાયન્સ અત્યંત મહત્વના સેક્ટર છે. મને ગૌરવ છે કે સરકારના સમર્થનના કારણે આ સેક્ટરની આપણી કેટલીક અગ્રણી કંપનીઓ ભારતીય બજારમાં પ્રભુત્વ વધારી શકશે. તેના કારણે યુકેના અર્થતંત્રને કરોડો પાઉન્ડનો લાભ થશે.
ભારત સરકારે તાજેતરના બજેટમાં કરેલી ઘોષણાને પગલે યુકેની ઇન્શ્યુરન્સ કંપનીઓને વેગ આપવા માટે પણ આ મુલાકાત અત્યંત મહત્વની રહી હતી. ભારત સરકારે વીમા સેક્ટરમાં વિદેશી રોકાણની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરી દીધી છે. તેના પગલે યુકેની વીમા કંપનીઓ ભારતમાં પોતાની હાજરી વધારી શકશે.
ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર પોપીગુસ્તાફસને જણાવ્યું હતું કે, બ્રિટનમાં મૂડીરોકાણ કરવા ભારતીય કંપનીઓનો વિશ્વાસ વધે તે માટે સરકારે ઘણા બદલાવ કર્યાં છે અને ભારતમાંથી આવી રહેલું મૂડીરોકાણ તેનો પુરાવો છે. યુકે પહેલાં કરતાં વધુ મહત્વાકાંક્ષી અને સહકાર આપનાર દેશ બન્યો છે. અમે વિશ્વને બતાવી દીધું છે કે શા માટે મૂડીરોકાણ માટે યુકે શ્રેષ્ઠ છે. યુકેમાં ભારતીયો દ્વારા વધી રહેલું મૂડીરોકાણ મજબૂત બની રહેલા આર્થિક સંબંધના સંકેત આપે છે. તાજેતરમાં જ 100 મિલિયન પાઉન્ડ કરતાં વધુના ભારતીય મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવી છે.