યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી ગયા સપ્તાહાંતમાં ભારતની મુલાકાતે પહોંચ્યા હતા. યુકે અને ભારત વચ્ચેના મજબૂત બની રહેલા સંબંધોનું પ્રતિબિંબ સમાન ત્રીજી મુલાકાતમાં ડેવિડ લેમીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ સાથે સઘન મંત્રણાઓ કરી હતી. યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મર બંને દેશ વચ્ચેના મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર માટે દિલ્હીની મુલાકાત લે તે પહેલાંની આ મુલાકાત અત્યંત મહત્વની બની રહી હતી. મંત્રણાઓમાં આતંકવાદ સામેની લડાઇમાં સહકાર, વેપાર અને ટેકનોલોજીમાં સહયોગમાં વધારો અને પ્રાદેશિક બાબતોની ચર્ચા કરાઇ હતી.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ 16 મેના રોજ ડેવિડ લેમીએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. નવી દિલ્હી સાથે યુકેના ઐતિહાસિક સંબંધો છતાં લેમીની પાકિસ્તાનની મુલાકાતથી ઘણાના ભવાં ખેંચાયા હતા. પરંતુ આ મુદ્દે સવાલનો જવાબ આપતાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સાથેની વાતચીતમાં ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 મહિનામાં મારી આ ત્રીજી ભારત મુલાકાત છે. મારો પાકિસ્તાનની મુલાકાત લેવાનો પણ ઇરાદો હતો. યુકે બંને દેશ સાથે મજબૂત સંબંધો ધરાવે છે. ભારતમાં મેં વિવિધ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી છે. યુકે ભારત અને પાકિસ્તાન એમ બંને દેશનો મિત્ર અને ભાગીદાર છે. અહીં કોઇનો પક્ષ લેવાની વાત નથી. મેં બંને દેશો સાથે ચર્ચા કરી છે અને તેને આવકારું છું. અમે ઇચ્છીએ છીએ કે બંને દેશ વચ્ચેનો તણાવ ઓછો થાય. અહીં ભારતમાં મેં આતંકવાદના પડકાર અને તેની સામે સાથે મળીને કેવી રીતે લડવું તે અંગે ચર્ચા કરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા સંઘર્ષની યુકેમાં સાઉથ એશિયન ડાયસ્પોરા પર થયેલી અસરો પર લેમીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના એ 100 કલાક બ્રિટનમાં ભારતીય અને પાકિસ્તાની સમુદાયો માટે ઘણા તણાવભર્યા રહ્યાં હતાં. તેઓ ઇચ્છતા હતા કે બ્રિટન બંને દેશ વચ્ચેનો તણાવ ઘટાડવામાં મદદ કરે. યુકે માટે એ મહત્વનું હતું કે, બંને દેશના મિત્ર તરીકે તણાવ ઘટાડવામાં ભુમિકા ભજવે.
યુકેમાં માઇગ્રન્ટ વિરોધી માનસિકતા પરના સવાલના જવાબમાં લેમીએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં ભારતીય સમુદાયના 1.9 મિલિયન લોકો મહત્વનું યોગદાન આપી રહ્યાં છે. માઇગ્રન્ટ વિરોધી માનસિકતાની બંને દેશ વચ્ચેના સંબંધો પર કોઇ અસર પડી નથી.
યુકે અને ભારત વચ્ચેનો વેપાર કરાર ગેમ ચેન્જરઃ અમરજિત સિંહ
ઇન્ડિયા બિઝનેસ ગ્રુપના ફાઉન્ડર અને સીઇઓ અમરજિત સિંહે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુકે અને ભારત વચ્ચેનો વેપાર કરાર હકારાત્મક, મહત્વાકાંક્ષી અને રચનાત્મક છે. આ વેપાર કરાર યુકે અને ભારત વચ્ચેના સંબંધોમાંસાચા અર્થમાં ગેમ ચેન્જર સાબિત થશે. તેના વડે બંને દેશ બિઝનેસ ફ્રેન્ડલી ફ્રેમવર્ક તૈયાર કરી શકશે. ટેરિફમાં ઘટાડો થતાં બંને દેશમાં વેપાર કરવો સરળ બનશે.