યુકે અને ભારતના દ્વિપક્ષી સંબંધોમાં નવો ઈતિહાસ રચાયો

‘૨૦૩૦ રોડમેપ’માં આરોગ્ય, ક્લાઈમેટ, વેપાર, એજ્યુકેશન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ડિફેન્સના ક્ષેત્રોમાં સહકાર વધુ મજબૂત બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરાઈ

Wednesday 05th May 2021 08:03 EDT
 
 

લંડન, નવી દિલ્હીઃ ભારત અને યુકેના વડા પ્રધાનો- નરેન્દ્ર મોદી અને બોરિસ જ્હોન્સન વચ્ચે ૪ મે, મંગળવારે યોજાએલી વર્ચ્યુઅલ મંત્રણામાં દ્વિપક્ષી સંબંધોનો નવો ઈતિહાસ રચાયો છે. તેઓ યુકે-ભારત સંબંધોના આગામી દાયકાના મહત્ત્વાકાંક્ષી રોડમેપ તેમજ બંને દેશો, અર્થતંત્રો અને પ્રજાને વધુ નિકટ લાવવા માટે સહમત થયા હતા. ‘૨૦૩૦ રોડમેપ’માં આરોગ્ય, ક્લાઈમેટ, વેપાર, એજ્યુકેશન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ડિફેન્સના ક્ષેત્રોમાં સહકાર વધુ મજબૂત બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરાઈ છે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે,‘યુકે-ભારત અનેક મૂળભૂત મૂલ્યોમાં સહભાગી છે. યુકે સૌથી પ્રાચીન લોકશાહીઓમાં એક છે જ્યારે ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી છે. બંને કોમનવેલ્થના કટિબદ્ધ દેશ છે ને બંને દેશની પ્રજાઓને સાંકળતો જીવંત સેતુ પણ છે. ગત સપ્તાહે યુકે અને ભારત વચ્ચે ગાઢ સંપર્કના પ્રદર્શન તરીકે આ કપરા કાળમાં ભારતીય મિત્રોની સહાયતા કરવા બ્રિટિશ લોકો હજારોની સંખ્યામાં આગળ આવ્યા હતા. આ સંપર્ક આગામી દાયકામાં પણ વધશે અને વિશ્વની સૌથી મોટી સમસ્યાઓ ઉકેલવા અને આપણા લોકોનું જીવન બહેતર બનાવવા સાથે મળીને કામ કરવાના છીએ. આજે આપણે કરેલા કરારો યુકે-ભારતના સંબંધોમાં નવા યુગનો આરંભ કરશે.’

 ‘૨૦૩૦ રોડમેપ’માં વૈશ્વિક આરોગ્ય સુરક્ષા અને મહામારીમાં સ્થિતિસ્થાપકતા વધારવા બારત-યુકે વચ્ચે હેલ્થ પાર્ટનરશિપને વિસ્તારવાનો સમાવેશ થયો છે. મહત્ત્વપૂર્ણ દવાઓ, વેક્સિન્સ તેમજ અન્ય મેડિકલ ઉત્પાદનો જરુરિયાતમંદો સુધી પહોંચાડવા આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન્સને મજબૂત બનાવાશે.

બંને દેશો COP26ના મહત્ત્વાકાંક્ષી પરિણામો માટે સાથે મળીને કામ કરશે અને સ્વચ્છ ઊર્જા, ટ્રાન્સપોર્ટ અને ટેકનોલોજીના વિકાસ સાથે, કુદરત અને બાયોડાયવર્સિટીનું રક્ષણ તેમજ ક્લાઈમેટ ચેન્જની અસરને અનુકૂળ થવા વિકાસશીલ રાષ્ટ્રોને મદદ કરશે.

આગામી દાયકામાં યુકે અને ભારત વચ્ચે એન્હાન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપ (ETP) થકી આર્તિક સંબંધો ગાઢ બનાવાશે. આ સાથે બંને દેશોએ આગામી દાયકામાં વેપાર બમણો કરવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની મંત્રણાનો મજબૂત ઈરાદો વ્યક્ત કર્યો હતો.

હેલ્થ, નવી ટેકનોલોજીઓ ને ક્લાઈમેટ સાયન્સ જેવા ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ સંશોધનો કરવા બ્રિટિશ અને ભારતીય યુનિવર્સિટીઓ વચ્ચે સહકાર વધારાશે તેમજ જરુરિયાતમંદ કોમ્યુનિટીઓને સફળ ઈનોવેશન્સનો લાભ પહોંચાડવા સાથે મળીને કામ કરશે. આ માટે યુકે-ઈન્ડિયા ગ્લોબલ ઈનોવેશન પાર્ટનરશિપ લોન્ચ કરાશે.

ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે જણાવ્યું હતું કે,‘ ૨૦૩૦ રોડમેપની વ્યાપકતા યુકે અને ભારત સાથે મળીને શું કરી કરી શકે છે અને શું કરવું જોઈએ તેને સ્પષ્ટ કરે છે.’

ભારત-યુકે વેક્સિન પાર્ટનરશિપ

આ બેઠક દરમિયાન વડા પ્રધાન મોદી અને વડા પ્રધાન જ્હોન્સન કોરોના વાઈરસ વિરુદ્ધ સંયુક્ત લડતને આગળ વધારવા સંમત થયા હતા. તેમણે ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકા વેક્સિનનો ઉલ્લેખ કર્યો હતો જેનું ઉત્પાદન ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરી રહ્યું છે. અગાઉ સોમવારે મોટી ભારતીય કંપનીઓ દ્વારા યુકેમાં નાણાકીય રોકાણોની જાહેરાત કરી હતી. કોરોનાની વેક્સિન બનાવી રહેલી વિશ્વની સૌથી મોટી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા(SII)એ બ્રિટનમાં ૨૪૦ મિલિયન પાઉન્ડ (૨૪૪૮ કરોડ રૂપિયા)નું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિટન અને ભારત મળીને વેક્સિન ક્ષેત્રમાં લગભગ ૧ બિલિયન ડોલરનો વેપાર અને રોકાણ કરશે. તેનાથી યુકેમાં લગભગ ૬૫૦૦ નોકરીઓ સર્જાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter