યુકે અને યુએસ ઓસ્ટ્રેલિયાને અણુ સબમરીન કાફલો બનાવી આપશે

Wednesday 22nd September 2021 06:17 EDT
 
 

લંડન, વોશિંગ્ટનઃ યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયાએ ચીનનો સામનો કરવાના લક્ષ્ય સાથે ત્રિપક્ષીય સુરક્ષા પાર્ટનરશિપની જાહેરાત કરી છે. Aukus નામે ઓળખાયેલી ભાગીદારી હેઠળ ઓસ્ટ્રેલિયાને ૧૨ પરમાણુ સંચાલિત સબમરીનનો કાફલો તૈયાર કરવામાં મદદ કરાશે. આ સુરક્ષા પહેલથી ઓસ્ટ્રેલિયા ઈન્ડો-પાસિફિક ઓશન ક્ષેત્રમાં મજબૂત બની રહેશે અને ચીનના વધી રહેલા લશ્કરી પ્રભુત્વને ખાળવામાં મદદરુપ બનશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનેની હાજરી સાથેની  વર્ચ્યુઅલ વીડિયો કોન્ફરન્સમાં યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેને આ ઈનિશિયેટિવની જાહેરાત કરી હતી.

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનની સુરક્ષા ભાગીદારીથી અકળાયેલા ચીને આ ભાગીદારીને શીતયુદ્ધની માનસિકતા ગણાવી હતી. બીજી તરફ, ફ્રાન્સે વેપારી કારણોસર આ નવી ભાગીદારીનો વિરોધ કરી અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાંથી પોતાના રાજદૂતો બોલાવી લેવાની જાહેરાત કરતા પરિસ્થિતિએ નવો વળાંક લીધો હતો. બાઈડન, મોરિસન અને જ્હોન્સને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના પ્રયાસો  ઈન્ડો-પાસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં મદદ કરશે.

વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે આ ત્રણ દેશની ટીમ આગામી ૧૮ મહિનામાં એડેલેઈડ ખાતે નવા ઓસ્ટ્રેલિયન અણુ સબમરીન કાફલાને એસેમ્બલ કરવાની સંયુક્ત યોજના ઘડી કાઢશે. આ પ્રોજેક્ટના પરિણામે ઓસ્ટ્રેલિયા અણુ રીએક્ટર્સથી સંચાલિત સબમરીન ધરાવતો સાતમો દેશ બની જશે. જોકે, મોરિસને સ્પષ્ટતા કરી હતી કે ઓસ્ટ્રેલિયા આણ્વિક શસ્ત્રો મેળવવા અથવા નાગરિક અણુક્ષમતા સ્થાપિત કરવા ઈચ્છતું નથી. અમેરિકા સહિત ત્રણેય દેશોએ સ્પષ્ટ કર્યું છે કે ઓસ્ટ્રેલિયા પરમાણુ ક્ષમતા ધરાવતી સબમરીન્સ બનાવશે એમાં પરમાણુ હથિયારો નહિ હોય, માત્ર પરમાણુ રીએક્ટર હશે.

પાર્ટનરશિપ સામે ફ્રાન્સનો વિરોધ

યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયાની લશ્કરી પાર્ટનરશિપ સામે નાટો સહયોગી ફ્રાન્સે વિરોધ પ્રદર્શિત કર્યો છે. જોકે, આ વિરોધનું કારણ મુખ્યત્વે વેપારી-આર્થિક છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી પરંપરાગત આઠ સબમરીન મેળવવા ફ્રાન્સ સાથે સોદાની વાતચીતો કરી હતી અને લગભગ ૯૦ બિલિયન ડોલરનો સોદો હતો. હવે નવા કરારથી ફ્રાન્સના હાથમાંથી સોદો જતો રહ્યો છે અને તેના સ્થાને યુકે અને યુએસ ગોઠવાઈ ગયા છે. નારાજ ફ્રાન્સે અમેરિકા અને ઓસ્ટ્રેલિમાંથી પોતાના રાજદૂતોને પણ પાછા બોલાવી લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter