લંડનઃ યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડ્યાના 9 વર્ષ બાદ ફરી એકવાર બ્રિટન અને યુરોપિયન યુનિયન મહત્વના વેપાર અને સંરક્ષણ સંબંધો માટે સહમત થયા છે. વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને યુરોપિયન સંઘના વડા ઉર્સુલા વોને સોમવારે લંડનના લેન્કેસ્ટર હાઉસ ખાતે આ મહત્વના કરારની જાહેરાત કરી હતી. કરારમાં સિક્યુરિટી અને સંરક્ષણ, બ્રિટિશ ખાદ્ય ઉત્પાદનો પરના નિયંત્રણોમાં ઘટાડો, બ્રિટિશ પ્રવાસીઓ માટેની સુવિધાઓમાં વધારો અને નવી મત્સ્ય સમજૂતિનો સમાવેશ થાય છે.
બ્રેક્ઝિટ રેફરન્ડમમાં યુરોપિયન યુનિયન સાથે રહેવાના હિમાયતી એવા વડાપ્રધાન સ્ટાર્મરે બ્રેક્ઝિટ રિસેટ ડીલ પર જણાવ્યું હતું કે, સોમવારની સમિટ યુરોપિયન યુનિયન સાથેના સંબંધોના નવા યુગનો પ્રારંભ છે. આ સંધિ જરીપુરાણી ચર્ચાઓનો ત્યાગ કરીને આગળ વધવાનું આહવાન કરે છે. રિસેટ ડીલથી કૃષિ ઉત્પાદકો માટેની લાલફિતાશાહીમાં ઘટાડો થતાં ભોજન સસ્તાં બનશે, એનર્જી સિક્યુરિટીમાં વધારો થશે. વર્ષ 2040 સુધીમાં બ્રિટિશ અર્થતંત્રમાં 9 બિલિયન પાઉન્ડનો વધારો થશે.
સ્ટાર્મર સરકાર દ્વારા આ એક મહિનામાં 3 મોટા કરારને અંતિમ સ્વરૂપ અપાયું છે. સૌથી પહેલાં સ્ટાર્મર સરકાર ભારત સાથેના મુક્ત વેપાર કરારને અંતિમ ઓપ આપવામાં સફળ રહી હતી. ત્યારબાદ અમેરિકા સાથેના વેપાર કરારની જાહેરાત કરાઇ હતી અને હવે યુરોપિયન યુનિયન સાથે કરારમાં સફળતા હાંસલ થઇ છે.
બ્રેક્ઝિટ રિસેટ ડીલ હાઇલાઇટ્સ
માછીમારી
- યુરોપિયન યુનિયનના માછીમારોને વર્ષ 2038 સુધી બ્રિટિશ જળસીમામાં માછીમારીની પરવાનગી
- ઇયુ અને નોર્વે સાથે માછીમારીના વાર્ષિક ક્વોટા નક્કી કરાશે, બ્રિટિશ જળસીમામાં માછીમારી માટેના લાયસન્સ જારી કરાશે
- નવી ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટમાં રોકાણ માટે 360 મિલિયન પાઉન્ડનું ફંડ અપાશે
કૃષિ નિકાસો
- માછીમારીની પરવાનગીના બદલામાં યુરોપિયન યુનિયનમાં થતી ફૂડ એક્સપોર્ટના ચકાસણીના નિયમો ઘટાડાશે
- એનિમલ અને પ્લાન્ટ શિપમેન્ટ્સની સરહદો પર થતી ચકાસણી નાબૂદ કરાશે
- બ્રેક્ઝિટ બાદ પહેલીવાર બ્રિટન ઇયુમાં કાચા બર્ગર અને સોસેજિસનું વેચાણ કરી શકશે
ડિફેન્સ અને સિક્યુરિટી
- ડિફેન્સ અને ફોરેન પોલિસી માટે યુકે અને ઇયુના અધિકારીઓ વચ્ચે દર 6 મહિને મંત્રણા થશે
- બંને પક્ષ પ્રતિબંધો પર સંકલન સાધશે, સ્પેસ રિલેટેડ સિક્યુરિટી પોલિસી તૈયાર કરાશે
- સેનાઓ અને ઇક્વિપમેન્ટની ઝડપી હેરફેર માટે યુકે ઇયુના પેસ્કો પ્રોજેક્ટમાં સામેલ થશે
યૂથ એક્સપિરિયન્સ સ્કીમ
- આ સ્કીમમાં સહકાર વધારવા સહમતિ, વધુ મંત્રણા બાદ અંતિમ નિર્ણયો લેવાશે
- સ્કીમ અંતર્ગત બ્રિટિશ યુવા સમગ્ર ઇયુમાં મુક્તપણે પ્રવાસ અને કામ કરી શકશે પરંતુ તે સમયમર્યાદામાં રહેશે
- વિદેશમાં અભ્યાસ અને ઇન્ટર્નશિપની પરવાનગી આપતા પ્રોગ્રામમાં સામેલ થવા ચર્ચા
પાસપોર્ટ ઇ-ગેટ્સ
- બ્રિટિશ પ્રવાસીઓને યુરોપના એરપોર્ટો પર ઇ-ગેટ્સનો ઉપયોગ કરવાની પરવાનગી
- જોકે ઇયુનો દરેક સભ્ય દેશ આ માટે સ્વતંત્ર રીતે નિર્ણય લેશે
- નવી પાસપોર્ટ સિસ્ટમના કારણે પાલત પ્રાણીઓનો પ્રવાસ સરળ બનશે, વારંવાર વેટરનરી સર્ટિ લેવા નહીં પડે
કાર્બન અને એનર્જી
- સ્ટીલ અને સિમેન્ટ જેવા કાર્બન ઇન્ટેન્સિવ ગૂડ્સ પર ટેક્સ ટાળવા યુકે અને ઇયુ તેમના કાર્બન માર્કેટને સાંકળી લેશે
- ઇયુમાં વીજળીની ખરીદી અને વેચાણ માટે ચર્ચા શરૂ કરાશે