યુકે અન્ય પશ્ચિમી દેશોની સરખામણીમાં વસવાટ માટે શ્રેષ્ઠઃ એશિયન બ્રિટિશરો

એશિયન અને અશ્વેતોને રોજિંદા જીવનમાં ભેદભાવનો સામનો કરવો પડે છે

Tuesday 13th June 2023 13:22 EDT
 
 

લંડનઃ વંશીય લઘુમતી સમુદાયના બ્રિટિશરોનું માનવું છે કે અન્ય પશ્ચિમી દેશો કરતાં યુકે અશ્વેત લોકોના વસવાટ માટે શ્રેષ્ઠ સ્થળ છે. જોકે તેમને એમ પણ લાગે છે કે પક્ષપાત ઘટાડવા માટે હજુ વધુ કામ કરવાની જરૂર છે. એક સરવેમાં 944 શ્વેત અને 1026 અશ્વેત સમુદાયના લોકોને રેસિઝમ અને તેઓ અન્ય પશ્ચિમી દેશોની સરખામણીમાં યુકેને કેવો દેશ માને છે તે અંગે સવાલ કરાયા હતા. સરવેમાં સવાલ કરાયો હતો કે, અમેરિકા, જર્મની અને ફ્રાન્સ જેવા અન્ય મોટા લોકતાંત્રિક દેશોની સરખામણીમાં વંશીય લઘુમતી સમુદાયો માટે વસવાટ માટે યુકે કેવા પ્રકારનો દેશ છે.

વંશીય લઘુમતી સમુદાયોના 80 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેમના માટે યુકે વસવાટ માટે શ્રેષ્ઠ દેશ છે. 73 ટકા શ્વેત સમુદાયના લોકો પણ આ પ્રકારનું જ મંતવ્ય ધરાવતા હતા. એક બ્રિટિશ ફ્યુચર થિન્ક ટેન્કે જણાવ્યું હતું કે, સરવેના પરિણામ દર્શાવે છે કે અમેરિકા કરતાં યુકેમાં વિવિધ સમુદાયો વચ્ચેના સંબંધો વધુ સારા છે. બ્રિટન યુરોપના અન્ય દેશો કરતાં વંશીય સમાનતા માટે વધુ પ્રયાસ કરતો દેશ છે.

સરવેમાં 67 ટકા વંશીય લઘુમતી સમુદાયના લોકોએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં અશ્વેત અને એશિયન લોકોને તેમના રોજિંદા જીવનમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. જોકે આ લોકો એમ તો જરૂર માને છે કે છેલ્લા 25 વર્ષમાં વંશીય ભેદભાવ નાબૂદ કરવાની દિશામાં બ્રિટને નોંધપાત્ર પ્રગતિ કરી છે. 80 ટકા વંશીય લઘુમતી સમુદાયના લોકો અને 64 ટકા શ્વેત લોકો ઇચ્છે છે કે આગામી 25 વર્ષમાં બ્રિટને આ દિશામાં વધુ પ્રગતિ કરવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter