લંડનઃ કાબૂલ એરપોર્ટ પર ત્રાસવાદી હુમલા પછી બ્રિટિશ ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે કહ્યું છે કે યુકે અફઘાનિસ્તાનમાં ISIS આતંકવાદીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ક્ષમતા ધરાવે છે. અગાઉ, યુએસ પ્રમુખ જો બાઈડેને ત્રાસવાદી જૂથને કહ્યું હતું કે ‘અમે તમારો પીછો કરીશું અને તમારી પાસે હિસાબ ચૂકતે કરીશું.’
ડિફેન્સ સેક્રેટરી વોલેસે બીબીસી રેડિયો-૪ના ટુડે પ્રોગ્રામને જણાવ્યું હતું કે કાબુલના હમીદ કરઝાઈ એરપોર્ટની બહાર ગુરુવારે ઓછામાં ઓછાં ૨૦૦ લોકોના મોત નીપજાવનારા બે બોમ્બવિસ્ફોટની જવાબદારી લેનારા ISIS આતંકવાદીઓનો પીછો કરવા યુકે તૈયાર છે. ISIS ઈરાક, સીરિયા અથવા યુકેના નાગરિકો માટે જોખમ સર્જે તેવા કોઈ પણ સ્થળે હોય તેમનો સામનો કરવાનું મિશન ચાલુ જ છે. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેમના સામે સખત કાર્યવાહી કરવાનો આપણો અધિકાર છે. આપણી પાસે કાર્યવાહી કરવાની ક્ષમતા છે. યુકેની મિલિટરી કેવી કાર્યવાહી કરશે તે સ્પષ્ટ જણાવવા વોલેસે ઈનકાર કર્યો હતો. જોકે, તેમમે કહ્યું હતું કે આ પ્રકારની ધમકીઓનો સામનો કરવાની ક્ષમતા આપણી પાસે છે અને અનેક પ્રકારની ક્ષમતા છે.
અફઘાનિસ્તાનમાંથી બધા લોકોને બહાર લાવી નહિ શકાય તે બદલ ડિફેન્સ સેક્રેટરીએ દિલગીરી વ્યક્ત કરી કહ્યું હતું કે ‘સરકાર આનાથી વધુ સારું કરી શકી ન હોત. વિમાનમાં વધુ લોકોને લેવાં માટે આપણે નિયમો બદલ્યા હતા. લશ્કરી દળોનો સરંજામ મૂકતા આવવાનો પણ નિર્ણય લીધો હતો.ઘણા લોકો તેનાથી અપસેટ છે.
દરમિયાન, ડિફેન્સ મિનિસ્ટ્રીએ શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે યુકે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર લાવવાના આખરી તબક્કામાં છે અને વધુ લોકોને કાબુલ એરપોર્ટ પર બોલાવાશે નહિ. યુકેએ ગુરુવારની રાત સુધીમાં અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષના ઓપરેશનમાં સરકાર માટે કામ કરનારા ૮,૦૦૦ અફઘાનો, ૪૦૦૦ બ્રિટિશ પાસપોર્ટધારકો સહિત ૧૩,૧૪૬ લોકોને બહાર કાઢ્યા હતા.