લંડનઃ સરકાર દ્વારા અમલમાં મૂકાઇ રહેલી ફ્રિક્શનલેસ ટ્રાવેલ યોજના અઁતર્ગત યુકેમાં આવતા પ્રવાસીઓએ એરપોર્ટ ખાતે તેમના પાસપોર્ટ રજૂ કરવા નહીં પડે. આ યોજના અંતર્ગત એરપોર્ટ્સ ખાતે નવા ઇ-ગેટ મૂકાશે જે ફક્ત એડવાન્સ્ડ ફેસિયલ રેકોગ્નિશનનો ઉપયોગ કરીને જ પ્રવાસીઓને યુકેમાં પ્રવેશવાની પરવાનગી આપશે.
બોર્ડર ફોર્સના ડિરેક્ટર જનરલ ફિલ ડગ્લાસે જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય ઇન્ટેલિજન્ટ બોર્ડર તૈયાર કરવાનો છે જેમાં વર્તમાન સમય કરતાં વધુ સરળતાથી ફેસિયલ રિકોગ્નિશન કરાશે.બ્રિટિશ બોર્ડરોને ગોલ્ડ સ્ટાન્ડર્ડની બનાવવા માટેની યોજના તૈયાર કરાઇ છે. દુબઇમાં 50 દેશના નાગરિકોના ચહેરાની ઓળખ કરી શકવાની ક્ષમતા સ્થાપિત કરાઇ છે. ઓસ્ટ્રેલિયામાં પણ નેક્સ્ટ જનરેશન ઇ-ગેટ્સનો ઉપયોગ થઇ રહ્યો છે અને તેનાથી હું ઘણો પ્રભાવિત થયો છું.
બ્રિટન વિઝાની જરૂર ન હોય તેવા વિદેશી પ્રવાસીઓના યુકેમાં આગમન માટે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશનનો પ્રારંભ કરી રહ્યો છે. તે માટે પ્રવાસીએ એપ ડાઉનલોડ કરી કેટલાક સવાલોના જવાબ આપવાના રહેશે, તેમનો પાસપોર્ટ સ્કેન કરવાનો રહેશે અને ફોટોગ્રાફ ઉપલબ્ધ કરાવવાનો રહેશે. જેમને ઇટીએની મંજૂરી અપાઇ હશે તેમને જ બ્રિટનની ફ્લાઇટમાં બેસવા દેવાશે.


