લંડનઃ વિદેશી નર્સ અને કેરટેકરની સંખ્યામાં મોટો ઘટાડો થતાં યુકેની હોસ્પિટલો અને કેર હોમ્સ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. હોમ ઓફિસના આંકડા દર્શાવે છે કે છેલ્લા 3 વર્ષમાં વિદેશી નર્સોને યુકેમાં એન્ટ્રી પર નિયંત્રણ લદાતાં 93 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2022માં 26100 વિદેશી નર્સને યુકેમાં એન્ટ્રી અપાઇ હતી જેની સામે વર્ષ 2025માં ફક્ત 1777 વિદેશી નર્સ જ યુકે આવી શકી હતી.
તેવી જ રીતે કેરિંગ પર્સનલ સર્વિસ ઓક્યુપેશન્સ કેટેગરીમાં જારી કરાતા વિઝાની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. આ કેટેગરીમાં કેર વર્કર્સ, નર્સિંગ ઓક્ઝિલિયરી, એમ્બ્યુલન્સ સ્ટાફ અને ડેન્ટલ વર્કર્સને વિઝા જારી કરાય છે. 2023માં આ કેટેગરીમાં 1,07,847 વિદેશી વર્કર્સને વિઝા જારી કરાયા હતા જેની સામે વર્ષ 2025માં ફક્ત 3178 વિઝા જ જારી કરાયાં હતાં જે છેલ્લા 2 વર્ષમાં 97 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2025ના સમયગાળામાં તો ફક્ત 23 વિદેશી કેર વર્કર્સને યુકેમાં એન્ટ્રી અપાઇ હતી.


