લંડનઃ ઇઝરાયેલ પરના ઇરાનના હુમલામાં યુકે ઇઝરાયેલની વહારે આવ્યો હતો. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હુમલો કરી રહેલા ઇરાનિયન ડ્રોન અને મિસાઇલને બ્રિટિશ યુદ્ધ વિમાનોએ તોડી પાડ્યાં હતાં. વડાપ્રધાને બંને દેશ વચ્ચેના તણાવને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, આ ભયજનક અને બિનજરૂરી તણાવ છે. હું તેને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. આંતરરાષ્ટ્રીય સહકારમાં યુકે પણ સામેલ થયો હતો અને ઇરાન દ્વારા દગાયેલા તમામ મિસાઇલ અને ડ્રોનને તોડી પાડવામાં આવ્યાં હતાં જેના કારણે ન કેવળ ઇઝરાયેલમાં પરંતુ જોર્ડન જેવા પાડોશી દેશોમાં પણ જાનહાનિ અટકાવી શકાઇ હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ઇરાક અને સીરિયામાં ચાલી રહેલા ઓપરેશનોના ભાગરૂપે રોયલ એરફોર્સ દ્વારા વધારાના યુદ્ધ વિમાનો આ પ્રદેશમાં મોકલી અપાયાંછે. આપણા યુદ્ધ વિમાનોએ મોટી સંખ્યામાં ઇરાનિયન ડ્રોન તોડી પાડ્યાં હતાં. નાગરિકોની સુરક્ષા માટે આપણા પાયલટોએ કરેલી કાર્યવાહી બિરદાવું છું.
સુનાકે ઇઝરાયેલને સમર્થનનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે, અમે ઇઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. મિડલ ઇસ્ટની સુરક્ષા યુકેની ઘરઆંગણાની સુરક્ષા માટે પણ મહત્વની છે. હાલમાં શાંતિની જાળવણી આપણી પ્રાથમિકતા છે.

