ઇન્ડિયા વીકના ભાગીદાર ટોક જર્નાલિઝમ દ્વારા 30 મે શનિવારના રોજ આયોજિત યુકે – ઇન્ડિયા જિઓપોલિટિકલ એન્ડ ઇકોનોમિક સંમેલનમાં ભારતના કેટલાક અગ્રણી પત્રકારો સહિત હજારોની સંખ્યામાં લોકો સામેલ થયાં હતાં. લંડનની પ્રાઇવેટ મેમ્બર્સ ક્લબ ધ કન્ડ્યુટ ખાતે આયોજિત વિચારગોષ્ઠિમાં ભારતના બદલાતા મીડિયા જગત પર કેન્દ્રિત ચર્ચાઓમાં ઇન્ડિયા ટુડેના રાજદીપ સરદેસાઈ, એએનઆઈના સ્મિતા પ્રકાશ, ધ હિન્દુના સુહસિની હૈદર, ધ ઇન્ડિયન એક્સપ્રેસના સૌરભ દ્વિવેદી અને ઇન્ડિયા ટુડેના કમલેશ સિંઘે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
26 થી 30 મે દરમિયાન યોજાયેલા આ વર્ષના ઇન્ડિયા વીકમાં લગભગ એક ડઝન દેશોમાંથી 1,600થી વધુ ઉત્સાહીઓએ લંડનભરમાં આયોજિત નવ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં નીતિ-નિર્માણ, પત્રકારત્વ, વ્યાપાર અને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.
વક્તાઓ અને આમંત્રિતોમાં સર વિન્સ કેબલ, મિશેલિન-સ્ટાર શેફ અતુલ કોચર, ફિલ્મ નિર્માતા મનિષા અડવાણી, મ્યુઝિક પ્રોડ્યુસર ઋષિ રિચ, મેવાડના રાજકુમાર લક્ષ્યરાજ સિંહ મેવાડ, લોર્ડ કરણ બિલિમોરિયા, લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સીઇઓ કરીમ ફતેહી (ઓબીઇ), અને વેન્ચર કેપિટલિસ્ટ રાજા ગણપથી તેમજ સ્ટુઅર્ટ લેંગડન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
29 મેના રોજ થિંક ટેન્ક બ્રિજ ઇન્ડિયા દ્વારા આયોજિત આઈડિયાઝ ફોર ઈન્ડિયા કોન્ફરન્સમાં બહુધ્રુવીય વિશ્વમાં ભારતની ભૂમિકા, પાડોશી દક્ષિણ એશિયાઈ દેશો સાથે તેના સંબંધો, ભારતીય સ્ટાર્ટઅપ સ્થાપકોની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ, પશ્ચિમી મીડિયા કેવી રીતે ભારતની સ્થાનિક અને પ્રાદેશિક ઘટનાઓને વધુ સારી રીતે રજૂ કરી શકે, અને યુકે-ઇન્ડિયા ફિલ્મ કો-પ્રોડક્શન રોકાણ વધારવાના રસ્તાઓ પર મંથન કરવામાં આવ્યું હતું.
એક સંયુક્ત સ્વાગત સમારોહમાં લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સીઇઓ કરીમ ફતેહીએ ઇન્ડિયા વીકને યુકે-ઇન્ડિયા વ્યાપાર અને રોકાણ માટેનું અગ્રણી પ્લેટફોર્મ ગણાવ્યું હતું. ખાસ બ્લેક-ટાઈ ડિનરમાં 250થી વધુ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિટિશ સાઉથ એશિયન સાહસિકોને એક મંચ પર લાવવા બદલ હિયર એન્ડ નાઉ ૩૬૫ના ઉદ્યોગપતિ મનિષ તિવારીને 'એચિવમેન્ટ ઇન બિઝનેસ' એવોર્ડ, ભાંગડા કલાકાર એચ ધામીને 'એચિવમેન્ટ ઇન એન્ટરટેઈનમેન્ટ' એવોર્ડ અને બાર્કલેઝ ઈગલ લેબ્સના પૂનમ શર્માને 'એચિવમેન્ટ ઇન કોમ્યુનિટી સર્વિસ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઇન્ડિયા વીકના ક્યુરેટર પ્રતિક દત્તાણીએ જણાવ્યું હતું કે, પડકારજનક ભૌગોલિક-રાજકીય વાતાવરણ વચ્ચે વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા બદલાઈ રહી છે. ઇન્ડિયા વીક એ યુરોપની સૌથી મોટી બિન-રાજકીય ઇવેન્ટ સિરીઝ છે, જે ભારતને વિશ્વ સમક્ષ લાવવા પર કેન્દ્રિત છે. આપણી ચર્ચાઓ ફિલ્મ, સાહિત્ય, પત્રકારત્વ, વ્યાપાર અને જાહેર નીતિ સુધી વિસ્તરેલી છે.
લંડનના ઉદ્યોગપતિ સુખપાલ અહલુવાલિયાએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા વીક માત્ર વ્યાપારી રીતે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સાહસિકતાની દ્રષ્ટિએ પણ યુકે-ઇન્ડિયા સંબંધોને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બંને દેશો સાથે મળીને હજુ ઘણું બધું હાસલ કરી શકે તેમ છે અને હું તે પ્રગતિને આગળ ધપાવવામાં મદદ કરવા માંગુ છું. આગામી વર્ષોમાં હું ભારતમાં વધુ સમય વિતાવીશ, તેથી સરહદ પારના મજબૂત સંબંધો, વ્યવસાયો અને તકોને ટેકો આપવો એ મારા માટે વધુ મોટું કેન્દ્રબિંદુ બનશે.


