લંડન
17મા જી-20 શિખર સંમેલન ખાતે બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત બાદ રિશી સુનાકે બ્રિટનમાં દર વર્ષે ભારતના યુવા પ્રોફેશનલ્સને 3000 વર્ક વિઝા આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે, આ પ્રકારની યોજનાનો સૌથી પ્રથમ લાભ ભારતને અપાયો છે. સુનાકની કચેરીએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, બ્રિટન-ભારત યંગ પ્રોફેશનલ્સ સ્કીમને મંજૂરી આપી દેવાઇ છે. જે અંતર્ગત દર વર્ષે 3,000 18થી 30 વર્ષના ભારતીય સ્નાતકોને બે વર્ષનો વર્ક વિઝા અપાશે. જેના દ્વારા તેઓ બે વર્ષ સુધી બ્રિટનમાં કામ અને વસવાટ કરી શકશે. સામે પક્ષે ભારત પણ 3000 બ્રિટિશ નાગરિકોને વર્ક વિઝા ઉપલબ્ધ કરાવશે.
10 ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા અને ઇન્ડો-પેસિફિક રિજિયનમાં મજબૂત સંબંધો વિકસાવવાની બ્રિટનની પ્રતિબદ્ધતા સાથે ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માટે આ યોજનાની જાહેરાત એક નોંધપાત્ર ક્ષણ છે. ઇન્ડો પેસિફિક રિજિયનમાં બ્રિટન સૌથી વધુ સંબંધો ભારત સાથે ધરાવે છે. બ્રિટનમાં આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પૈકી 25 ટકા ભારતીયો છે. બ્રિટનમાં ભારતીયો દ્વારા કરાતા મૂડીરોકાણના કારણે 95,000 લોકોને રોજગાર પ્રાપ્ત થયો છે.
બ્રિટન-ભારત યંગ પ્રોફેશનલસ્ સ્કીમ સૌથી પહેલાં 2021માં તત્કાલિન હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા તૈયાર કરાઇ હતી. આ યોજનામાં બ્રિટનમાં વિઝાની મુદતથી વધુ રોકાણ કરનારા ભારતીયોને સરળતાથી સ્વદેશ મોકલવાની જોગવાઇઓ પણ સામેલ કરાઇ હતી. વિઝા સ્કીમની પ્રશંસા કરતા રિશી સુનાકે જણાવ્યું હતું કે, ભારત સાથેના બ્રિટનના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોનું મૂલ્ય હું જાણું છું. ભારતના તેજસ્વી યુવાનોને બ્રિટનની જીવનશૈલીનો અનુભવ કરવાની તક હાંસલ થશે.


