લંડનઃ ભારતીય સ્વતંત્રતાના ૭૦ વર્ષની ઉજવણી કરવા સાથે બ્રિટનમાં ભારતીય નવતર પહેલો વિશે સાયન્સ મ્યુઝિયમમાં વિશેના પ્રદર્શન સાથે ‘યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર’ની ઉજવણીનો પણ આરંભ થયો છે. આ મુદ્દો ઓટમમાં ભારતની મુલાકાત દરમિયાન બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંત્રણાનો હિસ્સો બન્યો હતો.
લંડનના સાયન્સ મ્યુઝિયમમાં ‘ઈલ્યુમિનેટિંગ ઈન્ડિયા’ સંદર્ભે બે પ્રદર્શન યોજાયાં છે. માધ્યમના પ્રકાર તરીકે ૧૯મી સદીમાં ભારતમાં ફોટોગ્રાફીનો ઉદ્ભવ થયો ત્યારથી વર્તમાન સુધી તેના અભૂતપૂર્વ સર્વે તેમજ પ્રાચીન કાળથી વર્તમાન સુધી સમગ્ર ભારતમાં વૈજ્ઞાનિક વિચારની દીર્ઘ પરંપરાને હાઈલાઈટ કરતું પ્રદર્શન પણ છે. સાયન્સ મ્યુઝિયમ ખાતે વસંતપંચમી (૧ ફેબ્રુઆરી, ૨૦૧૭)ના દિવસે આયોજિત કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિન્હા અને ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાયક સહિત એશિયન કોમ્યુનિટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગત સપ્તાહે ‘યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર’ની ઉજવણીના આરંભે સાયન્સ મ્યુઝિયમ ગ્રૂપના ડિરેક્ટર ઈઆન બ્લેટફોર્ડે કહ્યું હતું કે,‘ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિનું નિર્માણ વૈજ્ઞાનિક વિચાર અને નવપ્રવર્તનની પરંપરા પર થયેલું છે. આ જોશપૂર્ણ સીઝનમાં દૃશ્યમાન થનારી કથાઓએ ભારતનું જ ઘડતર કર્યું નથી, પરંતુ તેનું વિશેષ વૈશ્વિક મહત્ત્વ પણ છે.’
યુકે મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ડિજિટલ એન્ડ કલ્ચર, મેટ હેનકોકે જણાવ્યું હતું કે,‘ભારતનો સમૃદ્ધ વૈજ્ઞાનિક ઈતિહાસ હજારો વર્ષ પુરાણો છે અને સમગ્ર વિશ્વના સમાજો પર તેનો પ્રભાવ આજે પણ છે. આ પ્રદર્શન નવા ઓડિયન્સીસને પ્રાચીન ભૂતકાળથી વર્તમાન સુધીની ભારતીય રુપરેખા અને નવપ્રવર્તનની રોમાંચક કથા વિશે શિક્ષિત કરશે. ‘યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર’ કાર્યક્રમમાં આ અદ્ભૂત ઉમેરો છે, જે આપણા બે દેશો વચ્ચેની વિશિષ્ઠ સાંસ્કૃતિક ભાગીદારીને મજબૂત બનાવવા સાથે વિજ્ઞાન,ડિઝાઈન અને કળાક્ષેત્રોમાં સહભાગી સંબંધોની ઉજવણી કરશે.’
‘ઈલ્યુમિનેટિંગ ઈન્ડિયા’ પ્રદર્શન આ વર્ષના સપ્ટેમ્બરથી આગામી વર્ષના મે મહિના સુધી ચાલશે અને પ્રદર્શનમાં મૂકાનારી વસ્તુઓ માટે દહેરાદૂનસ્થિત સર્વે જનરલ ઓફ ઈન્ડિયા સહિત ભારતીય સંસ્થાઓ સાથે સહકાર સધાયો છે. કાર્યક્રમના સમાપનની સાંજે કિશન અમીન દ્વારા હિન્દી ગીતો પ્રસ્તુત કરાયા હતા.
ઓર્ચિડ્સ ફેસ્ટિવલ સહિત અન્ય કાર્યક્રમો
ભારતીય બજારથી પ્રેરણા મેળવી સાઉથ વેસ્ટ લંડનમાં ક્યુ બોટનિકલ ગાર્ડન્સ દ્વારા ૪ ફેબ્રુઆરીએ તેના વાર્ષિક ઓર્ચિડ્સ ફેસ્ટિવલ ૨૦૧૭માં ખાસ ફ્લોરલ ડિસ્પ્લેનું આયોજન કર્યું હતું. ૯૦૦ પુષ્પોથી વિશાળ ભારતીય રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું હતું , જેની પાર્શ્વમાં હાથી, મોર અને વાનર સહિત જીવંત કદના પ્રાણીઓ ગોઠવાયા હતા. આ વર્ષના પ્રદર્શનમાં પરંપરાગત અને આધુનિક ભારતીય સંસ્કૃતિનો સંગમ જોવા મળ્યો હતો. માર્ચ મહિનાના પ્રારંભ સુધી ચાલનારા ઓર્ચિડ્સ ફેસ્ટિવલમાં ભીરતીય વાનગીઓના સ્ટોલ્સ, સ્ક્રીનિંગ્સ જોવાં મળે છે.
બ્રિટિશ લાઈબ્રેરી દ્વારા તેના ભારત કેન્દ્રિત કાર્યક્રમમાં પીઢ કથા-વાર્તાકાર સીમા આનંદને સ્થાન અપાયું છે. તેઓ ૧૩ ફેબ્રુઆરીએ ‘ઓફ લવ, લસ્ટ એન્ડ લાયાબિલિટીઝ’ સેશનમાં ભારતની દંતકથાઓ, લોકકથાઓ અને વાર્તાઓ થકી વાતાવરણને જીવંત બનાવશે.
બ્રિટિશ કાઉન્સિલ દ્વારા પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિનો કાર્યક્રમ તૈયાર કરાઈ રહ્યો છે, જેમાં ભારત અને યુકેના લોકોને સાંકળવા અને પ્રેરિત કરવાના હેતુ સાથે તેમજ સાંસ્કૃતિક સંબંધોને ઉજવવા અનેક સહભાગીઓ અને સંસ્થાઓનો સંપર્ક કરાયો છે.