યુકે ઈમિગ્રેશન નિયમોને બદલી હોંગ કોંગના લોકોની સહાય કરશે

Friday 26th June 2020 01:29 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ કર્યું છે કે જો ચીન તેના નવા સિક્યુરિટી કાયદાઓ હોંગ કોંગ પર લાદશે તો બ્રિટન તેના ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર કરી હોંગ કોંગના લાખો લોકોને નાગરિકતા મેળવવાનો લાભ આપશે.

વડા પ્રધાન જ્હોન્સને ધ ટાઈમ્સમાં લખતા જણાવ્યું છે કે ચીનના નવા કાયદાની તેવી સ્થિતિમાં બ્રિટન પાસે હોંગ કોંગ ટેરિટરી સાથે સંબંધોને માન આપવા સિવાય કોઈ માર્ગ બચશે નહિ. બેઈજિંગની સત્તાનો અનાદર કરવો ગુનો મનાશે તેવા નવા કાયદાના પરિણામે હોંગ કોંગના નાગરિકો પોતાની આગવી આઝાદી ગુમાવશે, જે સામાન્ય ચીની નાગરિકોને મળતી નથી. યુકે સરકારે નવા કાયદા લદાય અને લોકો હોંગ કોંગ છોડી નાસવા લાગે તેવી સ્થિતિમાં શું કરવું તે મુદ્દે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત સાથી દેશો સાથે મંત્રણા આરંભી છે.

જ્હોન્સને લખ્યું છે કે જો ચીન નવા કાયદા લાદે તો હોંગ કોંગના બ્રિટિશ નેશનલ (ઓવરસીઝ) (BNO) પાસપોર્ટ ધરાવનારાને કોઈ વિઝા વિના ૧૨ મહિના માટે યુકેમાં આવવાની પરવાનગી અપાશે. હાલ તેમને છ મહિના માટે યુકે આવવાની છૂટ છે. હાલ હોંગ કોંગના આશરે ૩૫૦,૦૦૦ નાગરિકો પાસે BNO પાસપોર્ટ છે અને વધુ ૨.૬ મિલિયન લોકો તેના માટે લાયક છે. આવા પાસપોર્ટધારકોને કામ કરવાના અધિકાર સહિત વધુ ઈમિગ્રેશન અધિકારો આપવામાં આવશે. આ અધિકારો તેમને નાગરિકત્વ મેળવવાની દિશામાં લઈ જઈ શકે છે. જ્હોન્સને ઉમેર્યું હતું કે ઈમિગ્રેશન ફેરફારો બ્રિટિશ ઈતિહાસમાં આપણી વિઝા સિસ્ટમમાં સૌથી મોટા ફેરફાર બની રહેશે. જો આવશ્યક હશે તો બ્રિટિશ સરકાર સ્વેચ્છાએ આ પગલું ભરશે.

યુકેના ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે હોંગ કોંગની સ્વાયત્તતા અને સમૃદ્ધિને જોખમરુપ પ્લાન પર પુનઃવિચાર કરવા ચીનને જણાવ્યું છે. બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડના સાંસદોએ નવા કાયદાથી માનવાધિકારો પર થનારી અસરો પર દેખરેખ રાખવા વિશેષ દૂત નિયુક્ત કરવા યુએનને અનુરોધ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter