યુકે કસ્ટમ્સ યુનિયન કે સિંગલ માર્કેટમાં નહિ રહેઃ સાજિદ જાવિદ

Wednesday 22nd January 2020 01:55 EST
 
 

લંડનઃ બ્રેક્ઝિટને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાન્સેલર સાજિદ જાવિદે યુકે સિંગલ માર્કેટ કે કસ્ટમ્સ યુનિયનમાં નહિ રહે તેવી સ્પષ્ટતા કરી છે. તેમણે સ્વીકાર્યું છે કે બ્રેક્ઝિટથી કેટલાક બિઝનેસીસને માર પડી શકે છે પરંતુ, લાંબા ગાળે તો લાભ જ થશે. તેમણે ઉત્પાદકોને ચેતવણી આપી હતી કે ઈયુના નિયમો સાથે કોઈ અનુકૂલન સધાશે નહિ.

ચાન્સેલરે ફાઈનાન્સિયલ ટાઈમ્સને જણાવ્યું હતું કે, ‘કોઈ જોડાણ રહેશે નહિ, આપણે નિયમોથી બંધાયેલા નહિ રહીએ, આપણે સિંગલ માર્કેટ કે કસ્ટમ્સ યુનિયનમાં નહિ રહીએ અને આ વર્ષના અંત સુધીમાં આ બધું થશે. આપણા બિઝનેસ પર એક અથવા બીજી રીતે અસર થશે. કેટલાકને લાભ થશે, કેટલાકને નહિ થાય.’

ચાન્સેલરે જણાવ્યું હતું કે ઉત્પાદક પેઢીઓને નવા વેપારી સંબંધોની તૈયારી કરવા ત્રણ વર્ષનો સમય અપાયો હોવાથી ટ્રેઝરી ઈયુ નિયમોની તરફેણ કરનારા ઉત્પાદકોને સપોર્ટ કરશે નહિ. અલગ નિયમોથી ઓટોમોટિવ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ઉદ્યોગોને કેવી અસર થશે તેનો ઉત્તર આપતા ચાન્સેલરે કહ્યું હતું કે, ‘જાપાન ઈયુને કાર્સ વેચે છે પરંતુ, તેઓ ઈયુ નિયમોને અનુસરતા નથી. આપણે ઈયુ છોડી રહ્યા છીએ તેની જાણ કંપનીઓને ત્રણ વર્ષથી છે.’ ધ ફૂડ એન્ડ ડ્રિન્ક ફેડરેશને આ બાબતે ફૂડના ભાવ વર્ષના અંત સુધી વધી શકે તેવી ચેતવણી આપતાં કહ્યું હતું કે આવી ટીપ્પણીઓ ઘર્ષણરહિત વેપાર માટે ‘મૃત્યુઘંટ’ બની રહેશે.

આગામી મહિનાઓમાં બ્રસેલ્સ સાથે ભાવિ સંબંધો ઘડવાનું સરકાર માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. યુકે ૩૧ જાન્યુઆરીએ સત્તાવારપણે સંગઠનને છોડે તે પછી વેપારમંત્રણાઓ શરૂ કરાશે. વ્યાપક વેપારી સમજૂતીના બદલામાં યુકે તેના નિયમો સાથે ગાઢપણે સંકળાયેલું રહે તેમ ઈયુ ઈચ્છે છે. જોકે, બોરિસ જ્હોન્સને વારંવાર સ્પષ્ટ કર્યું છે કે તેઓ બ્રસેલ્સથી દૂર રહેવા માગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter