લંડનઃ વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર જાપાન સાથે યુકેની વેપારસંધિ હાલ ઘોંચમાં પડી ગઈ છે. ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રસે બ્રિટિશ બ્લુ ચીઝના સમર્થનમાં જાપાન સાથેની બ્રેક્ઝિટ પછીની ઐતિહાસિક બની રહેનારી વેપારસંધિમાંથી પીછેહઠ કરી હતી. જાપાનનમાં થનારી કુલ નિકાસમાં બ્રિટિશ બ્લુ ચીઝનો હિસ્સો માત્ર ૦.૦૦૭ ટકા જ છે. બીજી તરફ, જાપાનના ફોરેન મિનિસ્ટર તોશિમિત્સુ મોતેગીએ થોડા સપ્તાહોમાં સંધિ થવાની આશા વ્યક્ત કરી છે.
જાપાનના ફોરેન મિનિસ્ટર મોતેગી ગત સપ્તાહે વેપારમંત્રણા કરવા લંડન આવ્યા હતા અને બે દિવસની વાટાઘાટો પછી જાપાનમાં ૧૪.૮ બિલિયન પાઉન્ડની બ્રિટિશ નિકાસો સાથેના વેપારસોદા પર હસ્તાક્ષરની જાહેરાત થવાની હતી. જોકે, બ્રિટને ઈયુના સભ્ય તરીકે જાપાન સાથે જે સમજૂતી હતી તેના કરતાં વધુ સારી શરતો બ્રિટિશ ચીઝના ઉત્પાદકો માટે મળી રહે તેનું દબાણ કર્યું હતુ. જોકે, જાપાને સ્પષ્ટ કર્યું હતું કે ઈયુ સાથેના વર્તમાન સોદા કરતાં વધુ લાભ લાભ આપી શકાય તેમ નથી. જાપાનને ડર છે કે બ્રિટનની વધુ સારી શરતો અપાય તો ઈયુના અન્ય ૨૭ દેશો તરફથી પણ આવી માગણી થઈ શકે છે.
બીજી તરફ, જાપાની ફોરેન મિનિસ્ટર મોતેગીએ જણાવ્યું છે કે જૂન મહિનામાં મંત્રણાઓ શરુ થયા પછી બંને પક્ષ ડિજિટલ, ડેટા, ફાઈનાન્સિયલ સર્વુસીસ સહિત મોટા ભાગના ક્ષેત્રોમાં સહમતિ સાધી શક્યા છે. જાપાનમાં વાર્ષિક ૧૦૦,૦૦૦ પાઉન્ડની નિકાસ ધરાવતી બ્રિટિશ સ્ટીલ્ટોન ચીઝ માટે વેપારસંધિ અટકાવવી કદાચ યોગ્ય ન લાગે પરંતુ, યુકે આર્થિક રીતે નગણ્ય લાભ હોવાં છતાં, તેના ઉત્પાદકોના હિતો માટે મંત્રણામાં કડક વલણ અખત્યાર કરી શકે છે તે સંદેશો મોકલવા માગે છે. જોકે, મતભેદો ઉકેલવા અને ડિસેમ્બર સુધીના ટ્રાન્ઝીશન પીરિયડ અગાઉ સમજૂતીને બહાલી આપી શકાય તે માટે સત્તાવાર વેપારમંત્રણા ચાલુ જ રખાશે. ગયા વર્ષે યુકેએ જાપાનથી ૧૬.૨ બિલિયન પાઉન્ડના માલસામાન અને સેવાઓની આયાત કરી હતી તેમજ ૧૫.૨ બિલિયન પાઉન્ડની નિકાસ કરી હતી. આશરે ૧,૦૦૦ જેટલી જાપાની કંપનીઓ યુકેમાં ઓફિસો ધરાવે છે.