યુકે-જાપાનની £૧૫.૨ બિલિયનની ઐતિહાસિક પોસ્ટ-બ્રેક્ઝિટ વેપારસંધિ

Thursday 17th September 2020 13:55 EDT
 
UK - Japan Trade Deal- Liz Truss on video conference with Japan’s foreign minister Motegi Toshimitsu
 

લંડનઃ યુકે અને જાપાન વચ્ચે શુક્રવાર ૧૧ સપ્ટેમ્બરે બ્રેક્ઝિટ પછી સૌપ્રથમ ૧૫.૨ બિલિયન પાઉન્ડની ઐતિહાસિક વેપારસંધિ થઈ હતી. યુકેના ટ્રેડ મિનિસ્ટર લિઝ ટ્રસ અને જાપાનના ફોરેન મિનિસ્ટર ટોશિમિટ્સુ મોટેગી વચ્ચે વિડીઓ કોન્ફરન્સ યોજાઈ હતી ત્યારે આ સંધિની જાહેરાત કરવામાં આવી હતી. ઈયુથી સ્વતંત્ર આ વેપારસંધિ જાહેર થવા સાથે ઈયુને પણ એક મેસેજ મળી ગયો છે કે યુકે તેની સામે ઝૂકવાના મૂડમાં નથી.

ઈયુથી અલગ સ્વતંત્ર વેપારી દેશ તરીકે યુકેની આ પ્રથમ મહત્ત્વપૂર્ણ વેપારસંધિ છે. ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રસ અને જાપાનના ફોરેન મિનિસ્ટર ટોશિમિટ્સુ મોટેગી યુકે-જાપાન કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ મુદ્દે સૈદ્ધાંતિકપણે સહમત થયા હતા. આ સમજૂતી યુકેના અર્થતંત્રને ધ્યાનમાં રાખી કરી છે તેમજ ઈયુ-જાપાન ટ્રેડ ડીલની સરખામણીએ વધારાના લાભ પણ મળશે. સમજૂતી હેઠળ જાપાનમાં નિકાસ કરતી યુકેની કંપનીઓને અનેક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક લાભ મળી રહેશે, તેનાથી નોકરીઓના સર્જનમાં મદદ મળશે અને સમગ્ર યુકેમાં આર્થિક વૃદ્ધિને ગતિ મળશે તેમ સરકારના નિવેદનમાં જણાવાયું હતું.

મિસ ટ્રસે ઐતિહાસિક સંધિ થયાની જાહેરાત ટ્વીટર પર કરી તેને બ્રિટનના ભવિષ્ય માટે મહત્ત્વના કદમ સમાન ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સંધિ ડિજિટલ અને ડેટા, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ફૂડ એન્ડ ડ્રિન્ક્સ જેવા ચાવીરુપ ક્ષેત્રોમાં ઈયુ-જાપાન સંધિ કરતા વધુ લાભદાયી નીવડશે. જાપાનને કરાતી ૯૯ ટકા નિકાસમાં યુકેને ટેરિફમુક્ત વેપારનો ફાયદો થશે. સરકારી વિશ્લેષણ અનુસાર જાપાન સાથે સમજૂતીથી યુકેના અર્થતંત્રને ૧.૫ બિલિયન પાઉન્ડનું ઉત્તેજન મળશે તેમજ યુકેના વર્કર્સને લાંબા ગાળે વેતનમાં ૮૦૦ મિલિયન પાઉન્ડનો ફાયદો થશે.

ઈયુ સાથેની વેપારસંધિ લગભગ તૂટવાના આરે છે અને યુકે નો-ડીલ સાથે ઈયુમાંથી બહાર નીકળી જાય તેવી શક્યતા વધી ગઈ છે ત્યારે જાપાન સાથેની સમજૂતી વિશેષ મહત્ત્વની બની રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter