યુકે જૂના ચશ્મા ઉતારી નવા ભારતને જૂએ, ભારતના વિકાસથી યુકેને લાભઃ સુજિત ઘોષ

લોકશાહી દેશો સાથે મળીને કામ કરે છે ત્યારે શ્રેષ્ઠ પરિણામ હાંસલ થાય છેઃ મનોજ લાડવા

Tuesday 30th January 2024 11:41 EST
 
 

લંડનઃ યુકે સ્થિત ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર સજિત ઘોષે જણાવ્યું હતું કે યુકેએ જૂના ચશ્મા ઉતારીને નવા ભારતને જોવાની જરૂર છે. ભારતના વિકાસથી યુકેને લાભ જ થવાનો છે. ઇન્દિરા ગ્લોબલ ફોરમ દ્વારા આયોજિત એક સમારોહમાં સંબોધન કરતાં ઘોષે ભારત અને યુકે વચ્ચેના મજબૂત બની રહેલા સંબંધો પર વ્યાપક રજૂઆત કરી હતી. તેમણે ભારતમાં રહેલી તકો અંગે પણ વિસ્તારથી જણાવ્યું હતું.

ઘોષે જણાવ્યું હતું કે, ભારત ફક્ત તેની જનતા માટે જ નહીં પરંતુ બાકીના વિશ્વ માટે પણ તકોનું સર્જન કરી રહ્યો છે. ભારતના વિકાસથી યુકેને પણ લાભ થઇ રહ્યો છે. સમય આવી ગયો છે કે યુકે સ્થિત અમારા મિત્રો જૂના ચશ્મા ઉતારે અને આજના નવા ભારત માટેનો દ્રષ્ટિકોણ બદલે.

સમારોહમાં હાજર રહેલા હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેનો લિવિંગ બ્રિજ, બંને દેશોની જનતા વચ્ચેનો સંપર્ક, એકબીજાના દેશોની મુલાકાત લેવાની ક્ષમતા, સાથે મળીને કામ કરવું , એકબીજા સાથે સંધિઓ કરવી એ અત્યંત મહત્વની બાબત છે.

આઇજીએફના સ્થાપક મનોજ લાડવાએ હાલના વૈશ્વિક રાજકારણ, વેપાર અને મૂડીરોકાણ પર બોલતાં જણાવ્યું હતું કે, લોકશાહી દેશો સાથે મળીને કામ કરે છે ત્યારે શ્રેષ્ઠ પરિણામ હાંસલ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter