લંડનઃ યુકેની નવી ૮૭ પાઉન્ડની બે વર્ષની વિઝિટર વિઝા સ્કીમમાં ભારતનો સમાવેશ કરવાની ભલામણ રોયલ કોમનવેલ્થ સોસાયટીના અહેવાલમાં કરાઈ છે. આ અહેવાલ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) સહિત ટોચના એવિએશન ટુરિઝમ અને ઔદ્યોગિક જૂથોના સહયોગથી તૈયાર કરાયો છે. આ સુધારાથી વૈશ્વિક ભારતીય ટુરિસ્ટોના માર્કેટમાં યુકેના ઘટતા હિસ્સાને વધારવામાં મદદ મળશે.
છેલ્લા એક દાયકામાં યુકેનો માર્કેટ હિસ્સો અડધો થઈ ગયો છે. આના પરિણામે, યુકેના અર્થતંત્રને દર વર્ષે અંદાજે ૫૦૦ મિલિયન પાઉન્ડ અને ૮,૦૦૦ જોબ્સનું નુક્સાન જાય છે. ભારતીય પ્રવાસીઓને આકર્ષવામાં ફ્રાન્સ હવે યુકે કરતા આગળ છે અને વર્ષ ૨૦૧૫માં ભારતના ૫,૦૦,૦૦૦ મુલાકાતીએ ફ્રાન્સની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન ડેવિડ કેમરને ઓક્ટોબર, ૨૦૧૫માં ૮૭ પાઉન્ડમાં બે વર્ષના યુકે-ચીન વિઝિટર વિઝા માટે પાઈલોટ સ્કીમની જાહેરાત કરી હતી. અહેવાલમાં ભલામણ કરાઈ છે કે ભારતીય નાગરિકોને પણ આવી તક મળવી જોઈએ. અત્યારે ભારતીય વિઝિટરોને બે વર્ષના વિઝા માટે ૩૩૦ પાઉન્ડ અથવા છ મહિનાના વિઝા માટે ૮૭ પાઉન્ડ ચૂકવવા પડે છે.
CIIના ડિરેક્ટર જનરલ ચંદ્વજીત બેનરજીએ જણાવ્યું હતું કે લોકો, વેપાર અને વિચારોનું આદાન પ્રદાન વધારવા માટે યુકે અને ભારતની સરકારો આ સ્કીમ વિશે જાહેરમાં ચર્ચા કરે અને તેના પાલન માટે વિચારે તે મહત્ત્વનું છે. મીડ વર્સેસ્ટશાયરના સાંસદ નાઈજેલ હડલસ્ટને જણાવ્યું હતું, ‘ આ અહેવાલમાં જે ફેરફારની તરફેણ કરાઈ છે તેનાથી યુકે ફરીથી ભારતીય વિઝિટરો માટે મુલાકાતની દૃષ્ટિએ ટોચનો દેશ બની જશે.

