જ્હોન્સને ભારત અને બ્રિટનમાં બંને દેશોમાં રોકાણના પ્રસ્તાવો રજૂ કરીને કુલ 1બિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 10,000 કરોડ) ના ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત અમદાવાદ ખાતે કરી છે. જ્હોન્સને કહ્યું છે કે આ રોકાણોથી બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો ગાઢ બનશે. ન્યૂ એજ ટેક્નોલોજી AI અને સોફ્ટવેર એન્જિનિયરિંગથી આરોગ્ય સુધીના ક્ષેત્રોમાં આ ઈન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ એગ્રીમેન્ટ્સ કરાયા છે. આ રોકાણોથી પ્રત્યક્ષ 11,000 નોકરીઓનું સર્જન થશે.
આ કરારોમાં નીચે મુજબની જાહેરાતો સામેલ છેઃ
• યુકેમાં નવી સ્વિચ મોબિલિટી ઇલેક્ટ્રિક બસ R&D સેન્ટર અને ચેન્નાઈમાં તેમના એશિયા પેસિફિક હેડક્વાર્ટરનું ઉદ્ધાટન. આના થકી ભારત અને યુકેમાં 1000 થી વધુ નોકરીનું સર્જન થશે • ટોચની ભારતીય ઓટોમોબાઈલ કંપની ભારત ફોર્જ અને ઇલેક્ટ્રિક ટ્રક નિર્માતા ટેવવા મોટર્સ(Tevva Motors)ને સાઉથ-ઈસ્ટમાં નવી સાઇટનું વિસ્તરણ કરવા અને 500 નવી નોકરીઓનું સર્જન કરવા માટે રોકાણ • ભારતીય સોફ્ટવેર કંપની માસ્ટેક યુકેમાં આગામી ત્રણ વર્ષમાં 1600 નોકરીનું સર્જન કરવા 790 મિલિયન પાઉન્ડનું રોકાણ કરશે • બિઝનેસ કન્સલ્ટન્સી ફર્સ્ટસોર્સ સાઉથ વેલ્સ, મિડલેન્ડ્સ અને ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમના શહેરોમાં નવી ઓફિસો ખોલશે • હર્ટફોર્ડશાયર સ્થિત કંપની સ્મિથ એન્ડ નેફ્યુએ ભારતમાં રોબોટિક સર્જિકલ સિસ્ટમ્સ વેચવા માટે મોટી એક્સપોર્ટ ડીલ કરી છે અને નોર્થમ્પટનશાયર બિઝનેસ સ્કોટ બેડર દેશમાં રીન્યૂએબલ એનર્જી કંપનીઓને સપ્લાય કરવા માટે નવી રેઝિન્સ ફેક્ટરી ખોલશે • ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની બિઝનેસ કંપની ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ સાથે ઉપગ્રહ પ્રક્ષેપણ માટેના ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરનાર OneWebના ડીલની પણ જાહેરાત કરાઈ છે.

