લંડનઃ બ્રિટને વર્ષ ૨૦૧૬માં વિદેશી સહાયના તેના કુલ ૧૩.૪ બિલિયન પાઉન્ડના બજેટમાંથી ઈયુને ૧.૫ બિલિયન પાઉન્ડ ફાળા તરીકે મોકલ્યા હતા, જે અગાઉના વર્ષની સરખામણીએ ૧૭૭ મિલિયન પાઉન્ડ વધુ છે.
યુરોપિયન કમિશનના વિદેશી સહાય બજેટમાં આઠમા હિસ્સાનો ફાળો યુકેએ ચુકવવાનો રહે છે. આ સહાય પ્રોજેક્ટ્સમાં ટાન્ઝાનિયામાં જગલિંગ લેસન્સ અને કેરેબિયન કોકોનટ ફાર્મર્સને મદદનો પણ સમાવેશ થયો હતો. આ ઉપરાંત, વિવિધ પ્રોજેક્ટ્સ માટે ચીનને ૪૬.૯ મિલિયન અને ભારતને ૯૨.૬ મિલિયન પાઉન્ડ સહાયરુપે સીધા જ મોકલાયા હતા.
બ્રિટને દરિયાપારની સહાય માટે ખર્ચવા ઈયુને ગત વર્ષે ૧.૫ બિલિયન પાઉન્ડ મોકલ્યા હતા, જે ફાળો અગાઉના વર્ષે ૧.૩૩ બિલિયન પાઉન્ડ હતો. ઈયુ દ્વારા સહાય બજેટમાંથી ઉત્પાદની ગુણવત્તા વધારવા નાળિયેરના ફાર્મર્સ માટે એક મિલિયન પાઉન્ડની યોજના હતી. ટાન્ઝાનિયાને સામ્બા, એક્રોબેટિક્સ, જગલિંગ અને ટ્રેપીઝના લેસન્સ સહિત શિક્ષણ માટે ૧૬૭,૭૪૦ પાઉન્ડ અને નોર્થ ટાન્ઝાનિયામાં સંગીત અને નૃત્યનો સાંસ્કૃતિક વારસો જાળવવા ૫૮૧,૧૫૨ પાઉન્ડની સહાય અપાઈ હતી.
ભારતને સીધી સહાય નહિ આપવાની ખાતરીઓ છતાં, ૯૨.૬ મિલિયન પાઉન્ડના પ્રોજેક્ટ્સને સહાય અપાઈ હતી, જેમાં હાર્ટ એટેકના દર્દીઓને યોગથી મદદ મળે છે કે નહિ તે ચકાસવા ૮૬,૬૧૬ પાઉન્ડની યોજનાનો સમાવેશ થયો હતો. ચીનને અપાયેલી ૪૬.૯ મિલિયન પાઉન્ડની સહાયમાં ડિમેન્શીયા સંભાળમાં સુધારો અને વિદ્યાર્થીઓને ઓછુ મીઠું ખાવાને પ્રોત્સાહન આપતી યોજનાનો સમાવેશ થયો હતો.