યુકે દ્વારા ભારતીય હાઈ કમિશનની સુરક્ષાની સમીક્ષા કરાશેઃ જેમ્સ ક્લેવર્લી

હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય હાઈ કમિશન પર ખાલિસ્તાની હુમલાનો મુદ્દો ઉઠાવાયો

Tuesday 28th March 2023 14:40 EDT
 
 

લંડનઃ તાજેતરમાં ખાલિસ્તાની સમર્થકોએ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન પર હુમલો કરી ભાંગફોડ અને મિશનના સ્ટાફ સાથે હિંસા આચરી હતી અને ભારતીય તિરંગાને નીચે ઉતાર્યો હતો તે ઘટનાની ભારે ટીકા કરાઈ છે ત્યારે બ્રિટનના ફોરેન મિનિસ્ટર જેમ્સ ક્લેવર્લીએ કહ્યું હતું કે દેશ ભારતીય હાઈ કમિશનની સુરક્ષાની સમીક્ષા કરશે.

ક્લેવર્લીએ કહ્યું હતું કે હિંસાના કૃત્યોમાં પોલીસ તપાસ ચાલી રહી છે અને ભારતીય મિશનના સ્ટાફની સલામતીની ચોકસાઈ અર્થે તેમનો દેશ આવશ્યક ફેરફારો કરશે. બુધવાર, 22 માર્ચના દેખાવો દરમિયાન પોલીસે કડક સુરક્ષા રાખી હતી.

બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય હાઈ કમિશનમાં ખાલિસ્તાનતરફી ઉગ્રવાદીઓ દ્વારા તોડફોડનો મુદ્દો ઉઠાવાયો હતો. કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને હિંસા સાથે સંકળાયેલા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાના પગલાં પર ગૃહમાં ચર્ચા કરવાની હાકલ કરી હતી. વિપક્ષી લેબર પાર્ટીના સભ્ય ગેરેથ થોમસે સ્પીકરને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા લેવાતાં પગલાં વિશે માહિતી માગી હતી. બોબ બ્લેકમેને કહ્યું હતું કે ભારતીય હાઈ કમિશન પર આટલા વર્ષોમાં છઠ્ઠી વખત હુમલો કરાયો છે. રવિવારે ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલી ગુંડાગીરી આ દેશ માટે શરમજનક છે.

ભારતે લંડનસ્થિત તેના દૂતાવાસ વિરુદ્ધ વિભાજનકારી અને ઉગ્રવાદી તત્વો દ્વારા જે કાર્યવાહી કરાઈ તેના સંદર્ભે સૌથી વરિષ્ઠ રાજદ્વારીને નવી દિલ્હી બોલાવી ખુલાસો માગ્યો હતો. બીબીસી અને ભારતીય મીડિયાના અહેવાલો મુજબ ખાલિસ્તાના બેનર્સ સાથેના દેખાવકારોએ ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગના પહેલા માળે લગાવેલા ભારતીય તિરંગાને નીચે ઉતારી ખાલિસ્તાની ધ્વજ લગાવી દીધો હતો. ભારતમાં ખાલિસ્તાની નેતા સામે પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા લંડનમાં ભારતીય મિશન સામે દેખાવો કરાયા ત્યારે આ ઘટના બની હતી. કેટલાક જૂથો સ્વતંત્ર શીખ દેશ ખાલિસ્તાનની માગણી કરી રહ્યા છે જેનું અસ્તિત્વ સુદ્ધાં નથી.

બીબીસીના અહેવાલ મુજબ રવિવાર 19 માર્ચે હાઈ કમિશનની બહાર ભીડ એકત્ર થઈ હતી અને બારીઓની તોડફોડ કરાઈ હતી. હાઈ કમિશન બિલ્ડિંગની આસપાસ બ્રિટિશ સિક્યોરિટીની સંપૂર્ણ ગેરહાજરી બાબતે ભારતે ખુલાસાની માગણી કરી હતી. આ પછી, બુધવાર 22 માર્ચના દેખાવો દરમિયાન હાઈ કમિશનની બહાર રોડની બંને તરફ ઓછામાં ઓછાં 100 પોલીસ ઓફિસરો સતર્ક બનીને ઉભા રહ્યા હોવાનું કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter