યુકે દ્વારા સરકારી કોન્ટ્રાક્ટ્સનાં વિશાળ બજારમાં રહેવાનો કરાર

Wednesday 06th March 2019 02:06 EST
 
 

લંડનઃ બ્રિટને બ્રેક્ઝિટ પહેલાના ગાળામાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) મારફત સરકારી કોન્ટ્રાક્ટ્સ માટેના વિશાળ બજારમાં રહેવા પ્રથમ સોદો કર્યો છે. ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટ એગ્રીમેન્ટના ૪૭ દેશોમાં બ્રિટનનો સમાવેશ પણ થયો છે. નવા સોદા અનુસાર યુકે હવે લોભામણાં સરકારી કોન્ટ્રાક્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય સોદાઓની બોલીમાં ભાગ લઈ શકશે. યુરોપિયન યુનિયનના તમામ ૨૭ દેશો સહિતનાં આ વૈશ્વિક બજારનું કદ આશરે ૧.૭ ટ્રિલિયન ડોલરનું છે.

આ કરારના પરિણામે, યુકે વિશ્વભરમાં મહત્ત્વપૂર્ણ સરકારી કોન્ટ્રાક્ટ્સ માટે બોલીમાં ભાગ લઈ શકશે. જોકે, આમાં સામાન્યપણે મિલિટરી કોન્ટ્રાક્ટસનો સમાવેશ થતો નથી. યુકે ૨૯ માર્ચથી ઈયુમાંથી બહાર નીકળી રહ્યું છે ત્યારે ગુડ્સ અને સર્વિસીસના બજારમાં પહોંચના મુદ્દે હજુ સ્પષ્ટતા નથી. આ સંજોગોમાં યુકે માટે આ કરાર ૧.૭ ટ્રિલિયન ડોલરનાં સંયુક્ત બજારમાં ટકી રહેવા મહત્ત્વનો છે.

ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઆમ ફોક્સે બ્રેક્ઝિટ અગાઉ સસ્તાં ભાવે આયાતની ચિંતા નકારી કહ્યું છે કે ઉદ્યોગોને અનુચિત વેપારની ચિંતા સામે રક્ષણ આપવા બ્રિટન ઈયુના ૪૩ પગલાને અનુસરવાનું જાળવી રાખશે. યુકેના ગ્રાહકો માટે ફૂડ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રોમાં ઓછાં ભાવ જોવાં મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter