લંડનઃ દરેક દેશ માનવજાતના કલ્યાણ માટે કેટલું કાર્ય કરે છે તે માપતી વૈશ્વિક ‘ગૂડનેસ’ યાદીમાં બ્રિટન ચોથા ક્રમે આવ્યું છે. યુકે ધ ગૂડ કન્ટ્રી ઈન્ડેક્સમાં ફ્રાન્સ અને જર્મનીથી આગળ છે, પરંતુ સ્વીડન, ડેનમાર્ક અને નેધરલેન્ડ્સથી પાછળ છે. વિશ્વના ૧૫૦થી વધુ દેશની યાદીમાં બ્રિટનનું કાર્ય અન્ય દેશો કરતા વધુ સારું અને ઓછું નુકસાનકારી ગણાયું છે. ભારત આ યાદીમાં સમગ્રપણે ૭૦મા ક્રમે છે પણ ઈન્ટરનેશનલ પીસ અને સુરક્ષાના મામલે ચીન કરતા ત્રણ ક્રમ નીચે છે. આ યાદીમાં સ્વીડન પ્રથમ અને લિબિયા સૌથી છેલ્લા ક્રમે છે.
ધ ગૂડ કન્ટ્રી ઈન્ડેક્સમાં યુનાઈટેડ નેશન્સ, વર્લ્ડ બેન્ક અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત ૩૫ અલગ ઈન્ડિકેટર્સના ઉપયોગથી દરેક સારો દેશ માનવજાતના કલ્યાણ માટે શું કરે છે અને શું ખૂંચવી લે છે તેના પર ધ્યાન અપાયું હતું. બ્રિટન આ યાદીના સાયન્સ અને ટેકનોલોજી સેક્ટરમાં પ્રથમ ક્રમે રહ્યું છે, જે તેના જર્નલ્સની સંખ્યાઓ, નોબેલ પ્રાઈઝીસ અને આંતરરાષ્ટ્રીય પબ્લિકેશન્સને આભારી છે. આંતરરાષ્ટ્રીય સલામતી અને શાંતિના સંદર્ભે બ્રિટન ૧૬૩ દેશની યાદીમાં ૬૪મા સ્થાને છે, જ્યારે આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણમાં વૈશ્વિક પ્રદાનમાં બીજા ક્રમે રહ્યું છે.
ધ ગૂડ કન્ટ્રી ઈન્ડેક્સના સર્જક સિમોન એનહોલ્ટ કહે છે કે દેશોએ પોતાના નાગરિકોનું કલ્યાણ ધ્યાનમાં રાખવું જોઈએ પરંતુ, અન્ય લોકોના જોખમે હોવું ન જોઈએ. ગ્લોબલાઈઝેશનના કારણે સમસ્યાઓ વધતી જાય છે ત્યારે એકલા રહીને નહિ પરંતુ, સાથે મળીને કામ કરવાની નીતિ શ્રેષ્ઠ છે.


