યુકે પર વાવાઝોડું ઓટ્ટો ત્રાટકતાં જનજીવન ખોરવાયું

વિમાની, રેલવે, બસસેવાઓ પર અસર પડી, સ્કોટલેન્ડમાં હજારો વીજળી વિહોણા, સેંકડો શાળાઓ બંધ રહી

Tuesday 21st February 2023 12:56 EST
 
 

લંડન

યુકે પર ત્રાટકેલા વાવાઝોડા ઓટ્ટોના કારણે સમગ્ર દેશમાં વિમાની, રેલવે અને બસસેવાઓની સાથે જનજીવન પ્રભાવિત થયાં હતાં. લીડ્સ બ્રેડફોર્ડ એરપોર્ટ ખાતે ફ્લાઇટો રદ કરી દેવાતાં સેંકડો પ્રવાસીઓ ફસાઇ ગયાં હતાં. લીડ્સ તરફ જતી રેલવે લાઇન પર ઓવરહેડ વાયરોમાં ભંગાણ સર્જાતાં ટ્રેન સેવા ખોરવાઇ ગઇ હતી. હવામાન વિભાગની ચેતવણીના કારણે સેંકડો શાળાઓ બંધ રહી હતી. યોર્કશાયરમાં મોટરવે એવન પર બે એચજીવી ઉથલી પડતાં બંને તરફનો વાહન વ્યવહાર સ્થગિત થઇ ગયો હતો. વાવાઝોડાના કારણે મોટી સંખ્યામાં વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર પર અસર થઇ હતી. વૃક્ષ પડતાં મોટી સંખ્યામાં વાહનોને પણ નુકસાન થયું હતું.

સ્કોટલેન્ડ પર ત્રાટકેલા ઓટ્ટો વાવાઝોડાના કારણે હજારો ઘરોમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી અને ડઝનો શાળાઓ બંધ કરી દેવાની ફરજ પડી હતી. સ્કોટલેન્ડમાં પહેલીવાર કોઇ વાવાઝોડાનું નામકરણ કરાયું છે. ઓટ્ટો વાવાઝોડાના કારણે સરેરાશ 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા. કેઇનગ્રોમ પર્વત ખાતે પવનની ઝડપ 120 માઇલ પ્રતિ કલાક નોંધાઇ હતી.

વાવાઝોડાના કારણે મોટી સંખ્યામાં ફેરી, ટ્રેન અને બસ સેવાઓ રદ કરી દેવાઇ હતી. આબેરદીન અને ઇન્વર્નેસ વચ્ચે વૃક્ષો ઉખડી જવાના કારણે ટ્રેન સેવાઓ પ્રભાવિત થઇ હતી. કેટલાક રૂટ પર ટ્રેનોને અત્યંત ધીમી ગતિથી ચલાવવાની ફરજ પડી હતી. આબેરદીનશાયરમાં 100 કરતાં વધુ, હાઇલેન્ડમાં 50 અને મોરેમાં પણ મોટી સંખ્યામાં શાળાઓ બંધ રહી હતી. અત્યંત ઝડપી પવનોને કારણે ફોર્થ રોડ બ્રિજ બંધ કરી દેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter