લંડનઃ પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ચેતવણી ઉચ્ચારી છે કે યુકે પરમાણુ શસ્ત્રો ધરાવતો પહેલો ઇસ્લામિક દેશ બની શકે છે. બ્રિટન મુસ્લિમ કટ્ટરવાદના હાથોમાં પડીને ઇરાન જેવો દેશ બની શકે છે.
વોશિંગ્ટનમાં એક સમારોહમાં સંબોધન કરતાં બ્રેવરમેને જણાવ્યું હતું કે, અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે ગયા ઉનાળામાં નેશનલ કન્ઝર્વેટિઝમ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું હતું કે યુકે પરમાણુ શસ્ત્ર ધરાવતો પ્રથમ ઇસ્લામિક દેશ બની શકે છે. મને નથી લાગતું કે તેઓ મજાક કરી રહ્યાં હોય.
બ્રેવરમેને સવાલ કર્યો હતો કે શું એ શક્ય નથી કે આગામી 20 વર્ષમાં ચીન અથવા રશિયા નહીં પરંતુ યુકે અમેરિકા માટે સૌથી મોટો વ્યૂહાત્મક પડકાર બનીને ઉભરી આવે. ભાંગી પડેલા સંબંધો અને નબળી નેતાગીરીમાંથી પેદા થયેલી સ્થિતિને જોતાં એમ લાગે છે કે જો યુકે મુસ્લિમ કટ્ટરવાદીઓના હાથમાં પડે તો શું થાય. યુકેની લીગલ સિસ્ટમમાં શરિયા કાયદાનો પ્રભાવ વધી રહ્યો છે.