લંડનઃ ઉત્તર સીરિયાના રેફ્યુજી કેમ્પમાં રહી થોડા દિવસો અગાઉ જ બાળકને જન્મ આપનારી ૧૯ વર્ષીય શમીમા બેગમની યુકેની નાગરિકતા રદ કરી તેને બ્રિટનમાં પ્રવેશ સામે મનાઈ કરાઈ છે ત્યારે તેનો પરિવાર તેના પુત્ર જેરાહને બ્રિટનમાં ઉછેરવા માગણી કરી રહ્યો છે. શમીમાના પરિવારે જણાવ્યું હતું કે શમીમાની સિટિઝનશિપ રદ કરાયા અગાઉ જ તેના પુત્ર જેરાહનો જન્મ થયો હોવાથી તે કાનૂની દૃષ્ટિએ બ્રિટિશ નાગરિક છે. હોમ સેક્રેટરી સાજિદ જાવિદ દ્વારા શમીમાની નાગરિકતા રદ કરાવાના નિર્ણય સામે પડકાર આપવાનું પણ પરિવાર વિચારી રહ્યો છે. સૈદ્ધાંતિક રીતે તેના પુત્રની નાગરિકતા પણ રદ થઈ શકે છે પરંતુ, તે ખુદ જોખમ હોવાનું સરકારે કોર્ટમાં પૂરવાર કરવું પડે તેમ છે.
યુકેનું નાગરિકત્વ રદ કરાયા પછી જેહાદી નવવધુ શમીમા બેગમે રાજકારણીઓ પાસે દયાની ભીખ માગી છે અને તે બદલાવા માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું છે. ઈસ્ટ લંડનના બેથનાલ ગ્રીનની શમીમા ૧૫ વર્ષની હતી ત્યારે બે મિત્રો સાથે યુકેથી નાસી સીરિયામાં ઈસ્લામિક સ્ટેટની ખિલાફતમાં જોડાવા ગઈ હતી. તેણે ડચ જેહાદી યાગો રિજિક સાથે લગ્ન કર્યા હતા, જેનાથી અન્ય બે પુત્ર પણ હતા, જેઓ અજાણી બીમારીથી મોતનો શિકાર બન્યા હતા. શમીમાએ ૧૭ ફેબ્રુઆરીએ સીરિયા રેફ્યુજી કેમ્પમાં બાળકને જન્મ આપ્યો હતો. તેને બ્રિટિશ નાગરિકતા રદ કરાયાના નિર્ણયની ૧૯ ફેબ્રુઆરીએ જાણ કરાઈ હતી.
હોમ સેક્રેટરીએ નિર્ણયનો બચાવ કર્યો
હોમ સેક્રેટરી સાજિદ જાવિદે પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે તેમણે નાગરિકતા વિશે નિર્ણય લેતી વેળાએ યુકે સમક્ષના જોખમોને ધ્યાનમાં લીધા હતા. શમીમાં યુકેમાં ત્રાસવાદી હુમલા કરી શકે, આવી ઉશ્કેરણી કરી શકે અથવા અન્યોમાં કટ્ટરતા ફેલાવી શકે તેવું જોખમ છે. બ્રિટિશ નાગરિકત્વ વિના શમીમા ‘સ્ટેટલેસ’ નહિ બને કારણકે તે માતાના પક્ષે બાંગલાદેશી વારસો ધરાવે છે. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને જેહાદી બ્રાઈડ શમીમા બેગમને બ્રિટનમાં પરત ફરવા દેવાં તેમજ તેને જરૂરી સપોર્ટ આપવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ISને સપોર્ટ કરવા દેશમાંથી નાસી ગયેલી છોકરીને દેશમાં પાછાં આવવાનો અધિકાર છે. તેમણે શમીમાની નાગરિકતા રદ કરવાના હોમ સેક્રેટરી સાજિદ જાવિદના નિર્ણયને અતિશય આકરો ગણાવ્યો હતો.
શમીમા વતી તેની બહેન રેણુ બેગમે હોમ સેક્રેટરી જાવિદને પત્ર લખ્યો હતો, જેમાં જણાવાયું હતું કે,‘શમીમાએ તાજેતરમાં જે વિધાનો કર્યાં તેનાથી અમે પણ શરમ અનુભવીએ છીએ. આ ટીપ્પણીઓ બ્રિટિશ મૂલ્યો મુજબની નથી, જેને અમે ફગાવી દઈએ છીએ. આમ છતાં, શમીમાનાં દરજ્જાનો નિર્ણય કોર્ટને લેવાં દેવો જોઈએ.
બાંગલાદેશ- હોલેન્ડ દ્વારા પ્રવેશનો ઈનકાર
બીજી તરફ, બાંગલાદેશના વિદેશ મંત્રાલયે શમીમાને તેમના દેશમાં પ્રવેશ આપવા સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. શમીમા માતાના પક્ષે બાંગલાદેશી વારસો ધરાવે છે તે મુદ્દે બાંગલાદેશે કહ્યું છે કે તેની પાસે બેવડી નાગરિકતા હોવાનું માની લેવું ભૂલભરેલું છે. શમીમાએ આ બાબતે કહ્યું હતું કે ‘મારું ત્યાં કશું જ નથી. ભાષા પણ અલગ છે. મેં કદી તે સ્થળ જોયું નથી. લોકો મને ત્યાં જવાં કેમ કહે છે તે સમજાતું નથી.’ તેનો જેહાદી પતિ હોલેન્ડનો નાગરિક હતો પરંતુ, હોલેન્ડે પણ શમીમાને પોતાને ત્યાં પ્રવેશ આપવા સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ડચ સરકારે કહ્યું હતું કે શમીમા બેગમ પાસે ત્યાં રહેવા રેસિડન્સ પરમિટ નથી. નેધરલેન્ડ્સ પાછા ફરતા ડચ જેહાદીઓને મદદ કરતું નથી અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમ હોય તેવા પોતાના નાગરિકોની રાષ્ટ્રીયતા પણ છિનવી શકે છે.
અબુ હમઝાના જેહાદી પુત્રની પણ માગણી
કટ્ટર ઈસ્લામિક ઉપદેશક અબુ હમઝાના ૨૪ વર્ષીય જેહાદી પુત્ર સુફયાન મુસ્તફાએ પણ તેને બ્રિટનમાં પરત ફરવા દેવાની માગણી કરી છે. સીરિયામાં લડવા ગયેલા મુસ્તફાનું બ્રિટિશ નાગરિકત્વ રદ કરાયું છે. અબુ હમઝાના નવ સંતાનમાંથી સાતમુ સંતાન મુસ્તફા ૧૯ વર્ષની વયે ૨૦૧૩માં સીરિયા લડવા ગયો હતો. તેણે ગયા વર્ષે બ્રિટન પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તુર્કીથી બ્રિટન આવતા વિમાનમાં છેલ્લી ઘડીએ ચડવા દેવાયો ન હતો. સૂત્રોએ જણાવ્યાનુસાર મુસ્તફા તેનું બ્રિટિશ નાગરિક્વ છિનવી લેવાના નિર્ણય સામે અપીલ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. અબુની બીજી પત્ની અને મુસ્તફાની માતા નજાત મોરોક્કોની હોવાથી તેની પાસે મોરોક્કન નાગરિકત્વનો વિકલ્પ છે. ફિન્સબરી પાર્ક મસ્જિદના પૂર્વ ઈમામ અબુ હમઝા યુકે અને યુએસમાં ત્રાસવાદી અપરાધો માટે ગુનેગાર જણાયા પછી તેને યુકેમાંથી હકાલપટ્ટી કરી યુએસ મોકલી દેવાયો હતો, જ્યાં તે જેલની આજીવન સજા ભોગવી રહ્યો છે.


