યુકે પાર્લામેન્ટને ઝેલેન્સ્કીનું સંબોધનઃ રશિયાને ટેરરિસ્ટ દેશ જાહેર કરો

Wednesday 16th March 2022 01:02 EDT
 
 

લંડનઃ યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોડિમીર ઝેલેન્સ્કીએ 8 માર્ચ મંગળવારે હાઉસ ઓફ કોમન્સને ઐતિહાસિક સંબોધન કર્યું હતું અને યુકે રશિયાને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરે તેવી માગણી પણ કરી હતી. ઝેલેન્સ્કીએ રાજધાની કીવથી વીડિયો લિન્ક દ્વારા હાઉસ ઓપ કોમન્સને સંબોધન કરી લોકોને પુટિનના આક્રમણ સામે રક્ષણ આપવા યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરવાની પણ માગણીનો પુનરુચ્ચાર કર્યો હતો.

યુક્રેનના પ્રમુખે હાઉસ ઓફ કોમન્સના સ્ક્રીન્સ પર દેખા દીધી તેની સાથે જ ચેમ્બરમાં હાજર સેંકડો સાંસદોએ ઉભા થઈ તેમને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધા હતા. તેમણે કહ્યું હતું કે ‘અમે ઝૂકીશું નહિ અને અમે જરૂર વિજયી થશું.’ રશિયન દળોના તોપમારા અને મિસાઈલ હુમલાઓ વચ્ચે પણ પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી દેશની રાજધાનીમાં જ છે. તેમણે રક્ષણાત્મક શસ્ત્રો અને સહાય મોકલવા બદલ વડા પ્રધાન જ્હોન્સનનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે, તેમણે યુકે સરકારને રશિયા વિરુદ્ધ પ્રતિબંધો વધુ કડક બનાવી દબાણ વધારવા તેમજ રશિયાને ટેરરિસ્ટ સ્ટેટ જાહેર કરવાની પણ માગણી કરી હતી.

ઝેલેન્સ્કીએ સાંસદોને કહ્યું હતું કે અમારું યુકેનિયન આકાશ સલામત રહે તેવું કાંઈક કરો. તમારે જે કરવા યોગ્ય હોય અને તમારા દેશની મહાનતાને અનુસરી બધું જ કરો. ‘ગ્લોરી ટુ યુક્રેન એન્ડ ગ્લોરી ટુ યુનાઈટેડ કિંગ્ડમ.’ તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીના યુદ્ધમાં 50થી વધુ બાળકો માર્યાં ગયાં છે. આ બાળકો જીવતાં રહી શક્યાં હોત પરંતુ, આ લોકોએ તેમને અમારી પાસેથી છીનવી લીધાં છે. વિશ્વમાં સૌથી મોટાં આર્મીઝમાં એક સામે લડી રહ્યા હોવા છતાં, અમે દેશવાસીઓને બચાવી રહ્યા છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter