યુકે પાર્લામેન્ટમાં ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ઓફ બ્રિટિશ ગુજરાતીઝની રચના

સર્વપક્ષી સંસદીય જૂથ બ્રિટિશ ગુજરાતીઓના પ્રશ્નો ઉઠાવવાનો મજબૂત મંચ બની રહેશે

Tuesday 21st March 2023 06:01 EDT
 
 

લંડનઃ યુકે પાર્લામેન્ટમાં બ્રિટિશ ગુજરાતીઓના રચાયેલા નવા ગ્રૂપ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ઓફ બ્રિટિશ ગુજરાતીઝ (APPG)ની પ્રથમ બેઠક 6ઠ્ઠી માર્ચ 2023 સોમવારે હાઉસ ઓફ કોમન્સ ખાતે યોજાઈ હતી. તમામ પક્ષોના બ્રિટિશ ગુજરાતીઓના પાર્લામેન્ટરી ગ્રુપની રચના માટે યુકેના સમગ્ર રાજકીય ફલકમાંથી પાર્લામેન્ટના સભ્યો અને લોર્ડ્સ એકત્ર થયા હતા. તેઓ યુકેની ગુજરાતી કોમ્યુનિટી સંબંધિત મુદ્દા અને ચિંતા વિશે અવાજ ઉઠાવશે તેમજ વધુ સારી નિર્ણય પ્રક્રિયાથી કોમ્યુનિટીને માહિતગાર રાખવા સાથે પાર્લામેન્ટ અને યુકેના ગુજરાતી સમુદાયને દ્વિમાર્ગી પરામર્શ પ્રક્રિયા પૂરી પાડશે.

યુકેના ગુજરાતી સમુદાયને ઘણા વર્ષોથી કોમ્યુનિટીની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા તેમજ તેના અભિપ્રાયો-મંતવ્યોને સારી રીતે સમજવામાં આવે અને સરકાર, સ્થાનિક સત્તાવાળાઓ, વૈધાનિક સંસ્થાઓ, રાજકીય પક્ષો અને પાર્લામેન્ટરી પ્રતિનિધિઓ સમક્ષ તેની યોગ્ય રજૂઆતો થાય તે હેતુસર ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપની રચના થાય તેવી અપેક્ષા અને ઈચ્છા હતી. જે હવે APPGની સ્થાપના સાથે સંતોષાઈ છે.

APPGના અધ્યક્ષ અને સાંસદ ગેરેથ થોમસે જણાવ્યું હતું કે,‘યુકેમાં ગુજરાતી સમુદાયના વિઝન અને મહત્ત્વાકાંક્ષાને સાકાર બનાવવા તેમજ કોમ્યુનિટી સમક્ષના કેટલાક પડકારો અને અવરોધોનું નિવારણ લાવવાના હેતુસર બ્રિટિશ ગુજરાતીઓ માટે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG)ની સ્થાપના કરી શકાયાનો મને આનંદ છે. બ્રિટિશ ગુજરાતીઓ માટેનું આ સર્વપક્ષીય સંસદીય જૂથ સાંસદોને ગુજરાતી સમુદાયની ચિંતાઓ, આકાંક્ષાઓ વિશે જાણવા તેમજ સમુદાયના હિતોને આગળ વધારે તેવી પહેલોમાં તેમની સાથે સહકાર સાધવાનો મંચ પૂરો પાડશે.

સાંસદ થોમસે ઉમેર્યું હતું કે,‘યુકેમાં ગુજરાતી સમુદાયે આપણા સમાજ અને અર્થતંત્રને પ્રચંડ યોગદાન આપ્યું છે. તમામ ધર્મોના ગુજરાતીઓએ સફળ બિઝનેસીસની સ્થાપના, નોકરીઓના સર્જન સાથે આપણી સ્થાનિક કોમ્યુનિટીઝમાં સકારાત્મક અસર ઉભી કરી છે. બ્રિટિશ ગુજરાતીઓનું આ સર્વપક્ષીય સંસદીય જૂથ ગુજરાતી સમુદાયને આરોગ્ય અને સુખાકારી, શિક્ષણ, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો, ઇમિગ્રેશન, ભારતના ગુજરાત રાજ્ય સાથે દ્વિપક્ષીય વેપાર તેમજ યુકેમાં આર્થિક વિકાસ જેવી બાબતોના સંદર્ભે રાજકારણીઓ સાથે સંપર્કમાં રહેવાની તક પૂરી પાડશે.’

આ APPGમાં કો-ચેર હોદ્દા પર બોબ બ્લેકમેન (કન્ઝર્વેટિવ પાર્ટી), વાઇસ ચેર તરીકે નવેન્દુ મિશ્રા (લેબર પાર્ટી) શૈલેષ વારા (કન્ઝર્વેટિવ પાર્ટી), લોર્ડ ધોળકિયા (લિબરલ ડેમોક્રેટ પાર્ટી) તથા સેક્રેટરીના હોદ્દા પર વીરેન્દ્ર શર્મા (લેબર પાર્ટી) ની અને સેક્રેટરિએટ લીડ તરીકે સંજય જગતિયાની વરણી કરાઇ છે.

APPGના સેક્રેટરીએટ-લીડ સંજય જગતિયાએ પોતાની નિયુક્તિનો આનંદ વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે,‘ આપણી કોમ્યુનિટી માટે રાજકીય સ્પોટલાઈટ ઉભી થાય અને પાર્લામેન્ટમાં ગુજરાતીઓનો મજબૂત અવાજ પહોંચે તે માટે બ્રિટિશ ગુજરાતીઓની એપીપીજીની રચના આવશ્યક પગલું છે. હું ગુજરાતી સમુદાયના મહત્વના મુદ્દાઓ APPG સમક્ષ ઉઠાવવા નિષ્ણાતો, નેતાઓ, મંદિરો અને જૂથો સાથે મળીને કામ કરવા આતુર છું”.

યુકેમાં 800,000થી વધુ ગુજરાતી વસે છે જેમાંથી મોટા ભાગની વસ્તી ગ્રેટર લંડન, ઈસ્ટ મિડલેન્ડ્સ, વેસ્ટ મિડલેન્ડ્સ, લેન્કેશાયર અને યોર્કશાયર જેવા મેટ્રોપોલિટન વિસ્તારોમાં કેન્દ્રિત છે. મોટાભાગના ગુજરાતીઓ મુખ્યત્વે ભારત અને ઇસ્ટ આફ્રિકન દેશોમાંથી 1960થી 1980ના દાયકામાં વ્યાપક સ્થળાંતર કરીને યુકે આવ્યા હતા. તેઓ તીવ્ર ધંધાકીય ચતુરાઈ અને સખત મહેનત સાથે બ્રિટિશ સમાજ સાથે ઓતપ્રોત બની ગયા છે અને તેમણે આગવા મંદિરો, કોમ્યુનિટી સેન્ટર્સ અને ગ્રૂપ્સની સ્થાપના પણ કરી છે. ગુજરાતીઓએ પગપેસારો ન કર્યો હોય તેવું એક પણ ક્ષેત્ર બાકી રહ્યું નથી.

આમંત્રિત મહેમાનો, કોમ્યુનિટી- બિઝનેસ અગ્રણીઓ, મંદિરોના પ્રતિનિધિઓ, સખાવતી સંસ્થાઓના અગ્રણીઓની હાજરીમાં મંગળવાર, 25 એપ્રિલ 2023ના રોજ આગામી પગલા તરીકે બ્રિટિશ ગુજરાતીઓના ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપનું ‘પબ્લિક લોંચ’ પાર્લામેન્ટરી હાઉસીસમાં કરવામાં આવનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter