યુકે ફર્લો સ્કીમનો ગેરલાભ લેતા વિદેશી શાહી પરિવારો અને કર બચાવતા બિલિયોનેર્સ

Tuesday 30th March 2021 15:02 EDT
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારી દરમિયાનનોકરિયાતો અને કામદારોને આર્થિક નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી જોબ સપોર્ટ - ફર્લો સ્કીમ (CJRS) હેઠળ લાખો પાઉન્ડનો લાભ વિદેશી રાષ્ટ્રો અને કરવેરાની જવાબદારીથી છટકવા ટેક્સ હેવન્સમાં જઈને વસેલા બિલિયોનેર્સ પણ લઈ રહ્યા છે. હેરોડ્ઝ અને રિટ્ઝના કતારના માલિકોએ ૩ મિલિયન પાઉન્ડનો ક્લેઈમ કરવા ઉપરાંત, સાઉદી રોયલ્સ અને બ્રિટિશ નેશનલ પાર્ટીએ પણ આ લાભ લેવાનું છોડ્યું નથી.

સરકારી માહિતીના વિશ્લેષણ પર આધારિત ગાર્ડિયનના અહેવાલ અનુસાર કર બચાવવા ટેક્સ હેવન્સના શરણે ગયેલા બિલિયોનેર્સ, બ્રિટિસ નેશનલ પાર્ટી, સાઉદી રોયલ્સ અને ઓઈલ સમૃદ્ધ ગલ્ફ દેશોએ બ્રિટિશ કરદાતાઓના ભંડોળથી ઉભા કરાયેલી ફર્લો સ્કીમના લાખો પાઉન્ડ્સનો ક્લેઈમ્સ કર્યો છે. સંઘર્ષ કરી રહેલા બ્રિટિશ બિઝનેસીસ અને સામૂહિક બેરોજગારીમાંથી કામદારોને ઉગારવાની યોજનાનો દુરુપયોગ થયાનું જાણી બ્રિટિશ સાંસદોમાં નારાજગી ફેલાઈ છે. કોરોના વાઈરસ જોબ રિટેન્શન સ્કીમ હેઠળ જાહેર નાણાનો લાભ લેનારી કંપનીઓના વાસ્તવિક લાભાર્થીઓમાં • સાઉદી રોયલ ફેમિલીના સભ્યો • હેરોડ્ઝ અને રિટ્ઝના કતારના માલિકો • દુબાઈના શાસક • ટેક્સ બચાવવા દેશ છોડી ગયેલા જિમ રેટક્લિફ અને ગાય હેન્ડ્સ •  બિલિયોનેર્સ એવજેની લેબેડેવ, લેન બ્લાવાટ્નિક અને મોહમ્મદ અલ ફાયેદ • એડમ વોકરની નેતાગીરી હેઠળની બ્રિટિશ નેશનલ પાર્ટીનો સમાવેશ થાય છે.  

સરકારે ફેબ્રુઆરીમાં દાવેદારો વિશે માહિતી જાહેર કરી હતી જ્યારે ડિસેમ્બર ૨૦૨૦માં સ્કીમનો લાભ લેનારા ૭૫૦,૦૦૦ બિઝનેસીસ વિશે માહિતી જાહેર કરી હતી. આ પછી ટોની અને શેરી બ્લેર તેમજ ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ફ કોર્સીસનો પણ સમાવેશ કરાયો છે. જોકે, કંપની માલિકીઓની જટિલતાના કારણે અન્યાર સુધી ઘણા લાભાર્થીઓની માહિતી ગુપ્ત હતી. ગાર્ડિયનના અહેવાલ અનુસાર વિશ્વના સૌથી ધનિકોમાં સ્થાન ધરાવતા કેટલાક લોકો અને એકમોએ ગયા વર્ષના માર્ચમાં શરુ કરાયેલી આ સ્કીમનો લાભ મેળવ્યો છે.

કતારના સેવરિન ફંડની માલિકીના હેરોડ્ઝ તેમજ કતારના શાસકના બનેવીની માલિકીની રિટ્ઝ હોટેલ દ્વારા ડિસેમ્બરમાં કુલ ૩ મિલિયન પાઉન્ડનો ક્લેઈમ મેળવાયો હતો. સાઉદી શાહી પરિવારના ચાર સભ્યોએ તેમની ચાર કંપનીઓ માટે ૫૫,૦૦૦ પાઉન્ડ સુધીની રકમ મેળવી હતી. તેમની એક કંપની ઓક્સફર્ડશાયરમાં ૨૦૦૦ એકરની ગ્લીમ્પ્ટન પાર્ક એસ્ટેટનો કરે છે જે અત્યાર સુધી યુએસસ્થિત પૂર્વ સાઉદી એમ્બેસેડર બંદાર બિન સુલતાનની માલિકીની હતી. દુબાઈની સરકાર અને તેના શાસક મોહમ્મદ બિન રશિદ અલ-મક્તુમ દ્વારા પણ તેમની કંપનીઓ માટે ક્લેઈમ કરાયો હતો.

યુકેના પૂર્વ સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેક્સ બચાવવા દેશ છોડી મોનાકોમાં વસતા જિમ રેટક્લિફે તેમના બે હોટલ બિઝનેસ અને ફેશન કંપની માટે ૧૭૫,૦૦૦ પાઉન્ડ સુધી સરકારી સબસિડીના ક્લેઈમ કર્યા હતા. મલ્ટિમિલિયોનેર ટોરી દાતા અને કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ ચેરમેન લોર્ડ એશ્ક્રોફ્ટની માલિકીના૪ બે બિઝનેસ દ્વારા ૨૦,૦૦૦ પાઉન્ડનો ક્લેઈમ કરાયો હતો. લાખો પાઉન્ડની સરકારી સહાય મેળવનારી કંપનીઓના બિલિયોનર્સ માલિકોમાં મીડિયા ટાઈકૂન લેન બ્લાવાટ્નિક, હેરોડ્ઝના પૂર્વ માલિક મોહમ્મદ અલ ફાયેદ અને ન્યૂઝપેપરના માલિક એવજેની લેબેડેવનો પણ સમાવેશ થાય છે. ગ્રેનફેલ ટાવરમાં વપરાયેલા ક્લેડિંગના ઉત્પાદક આર્કોનિકની ગૌણ કંપની દ્વારા CJRS હેઠળ ૫૦૦,૦૦૦ પાઉન્ડ સુધીનો ક્લેઈમ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter