લંડનઃ યુકે બાયોબેન્કને પોતાના આરોગ્યની માહિતી સ્વૈચ્છિક રીતે પૂરી પાડનારા 500,000 લોકોના ડેટા ચીનમાં ઓનલાઈન વેચાયા હોવાનું બહાર આવતા સનસનાટી મચી છે. સાયન્સ મિનિસ્ટર ઈઆન મરેએ હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે ચીનની કન્ઝ્યુમર વેબસાઈટ અલીબાબા પર 500,000 લોકોના ડેટાનું વેચાણ લિસ્ટ કરાયું હતું.
ચેરિટી યુકે બાયોબેન્કે સરકારને ડેટાના ઉલ્લંઘન વિશે માહિતી આપી હતી. આ ડેટામાં નામ, સરનામા અથવા કોન્ટેક્ટ્સનો સમાવેશ થયો ન હોવાનું પણ મિનિસ્ટરે જણાવ્યું હતું. તેમણે આ ઘટનાને અસ્વીકાર્ય દુરુપયોગ ગણાવી હતી. જોકે, સાયન્સ, ઈનોવેશન અને ટેકનોલોજી કમિટીના લેબર અધ્યક્ષ ડેમ ચિ ઓનવુરાહે જણાવ્યુ હતું કે આ ઘટના પ્રજાના વિશ્વાસને વધુ એક ફટકો છે. યુકે બાયોબેન્ક ઘટના પ્છી બ્રિટિશ જનતાને વધુ સુરક્ષા મળવી જોઈએ.
યુકે બાયોબેન્ક વિશ્વનો બાયોલોજિકલ, હેલ્થ અને લાઈફસ્ટાઈલ માહિતીનો સૌથી સુગ્રથિત ડેટાસેટ છે. તેનો ઉપયોગ ડિમેન્શીઆ, કેન્સ અને પાર્કિન્સન્સના ઓળખ-નિદાન અને સારવારમાં સુધારો હાંસલ કરવામાં થાય છે.


