લંડનઃ બ્રિટન અને ભારતે ગ્રીન એનર્જીને વધુ ગતિશીલ બનાવવા વિશ્વની ઈલેક્ટ્રિસિટી ગ્રીડ્સને મજબૂતપણે સાંકળવાની યોજના જાહેર કરી હતી જેને COP26 ક્લાઈમેટ પરિષદમાં ૮૦થી વધુ દેશોનો આવકાર સાંપડ્યો હતો. જે દેશો પાસે રિન્યુએબલ એનર્જીનું વધુ પ્રમાણ હોય તે વીજની ખાધ ધરાવતા દેશોને પહોંચાડી શકે છે. જે દેશોમાં સૂર્યાસ્ત થઈ ગયો હોય તેઓ સોલાર એનર્જી ઉત્પન્ન કરી શકતા દેશો પાસેથી વીજળી મેળવી શકે છે.
સમૃદ્ધ દેશો ‘ગ્રીન ગ્રીડ્સ ઈનિશિયેટિવ’ હેઠળ ગરીબ દેશોને તેમના કાર્બન એમિશન્સ ઘટાડવામાં તેમજ ઔદ્યોગિકીકરણ અગાઉના ધોરણોથી ઉપર ગ્લોબલ વોર્મિંગને ૧.૫ ડીગ્રી સેલ્સિયસ (૨.૭ ફેરનહિટ)ની મર્યાદા સુધી જાળવવામાં મદદ કરી શકે છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે તાજેતરના વર્ષોમાં પાવરલાઈન ટેકનોલોજીમાં ઘણો સુધારો થવાં છતાં આ યોજનામાં મોટા પાયે ખર્ચા કરવા પડશે.

