લંડનઃ ભારત અને યુકે વચ્ચે બહુપ્રતિક્ષિત વેપાર કરાર પર આખરે સહમતિ સધાઇ ગઇ છે. ટોરી સરકારના શાસનકાળમાં જાન્યુઆરી 2022માં પ્રસ્તાવિત વેપાર કરાર પર મંત્રણા શરૂ થઇ હતી જે લેબર સરકાર સત્તામાં આવ્યાના લગભગ એક વર્ષ બાદ પરિપૂર્ણ થઇ હતી. ગયા સપ્તાહમાં બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ અને ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ વચ્ચે અંતિમ મંત્રણા યોજાઇ હતી.
આ વેપાર કરારને પગલે ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં 25.5 બિલિયન પાઉન્ડ સુધીનો વધારો થશે. 2024માં બંને દેશ વચ્ચેનો વેપાર 42.6 બિલિયન પાઉન્ડ રહ્યો હતો. કરારને પગલે બ્રિટિશ જીડીપીમાં 4.8 બિલિયન પાઉન્ડનો વધારો થશે.
ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 6 મે મંગળવારના રોજ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર વાત થઇ હતી. બંને નેતાઓએ કરારને વધાવી લીધો હતો. આ કરારના પગલે યુકેના અર્થતંત્રમાં બિલિયનો પાઉન્ડનો વધારો થવા જઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને યુકેએ પરસ્પર લાભદાયી અને મહત્વાકાંક્ષી મુક્ત વેપાર કરારને સફળતાથી અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ એક ઐતિહાસિક સિદ્ધી છે. આ કરારથી બંને દેશ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે.
યુકેના વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આપણે હવે ટ્રેડ અને ઇકોનોમીના નવા યુગમાં પ્રવેશ્યા છીએ. આ કરારથી યુકેની ઇકોનોમી મજબૂત બનશે અને જનતાના ખિસ્સામાં વધુ નાણા મૂકી શકાશે.
બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી ઝડપથી વિકાસ કરી રહેલા અર્થતંત્ર સાથે કરાર કરીને અમે યુકેના અર્થતંત્રને બિલિયનો પાઉન્ડ આપી રહ્યાં છે.
મોદીના નેતૃત્વમાં મોટી સિદ્ધી હાંસલ કરાઇઃ સંજીવ પુરી (સીઆઇઆઇના પ્રમુખ)
સંજીવ પુરીએ જણાવ્યું હતું કે, વેપાર કરાર માટે સીઆઇઆઇ ભારત સરકારને અભિનંદન આપે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મોટી સિદ્ધી હાંસલ કરાઇ છે. 2030ના રોડમેપના અમલ માટે ભારત અને યુકે વચ્ચેની ભાગીદારી વધારવા સમયસર નિર્ણય લેવાયો છે.
બંને દેશ વચ્ચેની નેચરલ ભાગીદારી વધુ મજબૂત બનશેઃ કેશવ મૃગેશ (ચેરમેન સીઆઇઆઇ યુકે)
કેશવ મૃગેશે જણાવ્યું હતું કે, આ સિદ્ધી બંને દેશ વચ્ચેની નેચરલ ભાગીદારી વધુ મજબૂત બનાવશે. વેપાર વધવાની સાથે તાત્કાલિક લાભ મળવા લાગશે. હાઇસ્કીલ્ડ નોકરીઓનું સર્જન થશે અને બંને દેશની ગ્લોબલ લીડર્સ તરીકેની સ્થિતિ વધુ મજબૂત બનશે.
યુકે અને ભારતના બિઝનેસો માટે નવી તકોનું સર્જન થશેઃ સૈફ મલિક (સીઇઓ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ)
સૈફ મલિકે જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચેનો વેપાર કરાર નોંધપાત્ર સિદ્ધી છે. તેનાથી યુકે અને ભારતના બિઝનેસો માટે નવી તકોનું સર્જન થશે. તેમને વિશ્વના સૌથી મોટા માર્કેટ પૈકીના એક અને સૌથી ડાયનેમિક માર્કેટમાં પ્રવેશ મળશે.
વેપાર કરાર હાઇલાઇટ્સ
- એરોસ્પેસથી ઓટોમોટિવ, ઇલેક્ટ્રિકલ સરકિટ, આધુનિક ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ સહિતના યુકેના મેન્યુફેક્ચરિંગ સેક્ટર પરનો ટેરિફ ભારત ઘટાડશે
- ક્લીન એનર્જી સેક્ટરને ભારતના વિશાળ બજારનો લાભ મળશે
- ટેરિફ ઘટવાના કારણે મેડિકલ ડિવાઇસની યુકેની સપ્લાય ચેઇનને વધુ તકો મળશે
- ક્રિએટિવ સેક્ટરને કોપીરાઇટ પ્રોટેક્શન મળી રહેશે
- યુકેના સર્વિસ સેક્ટરને વૃદ્ધિ પામતા ભારતીય બજારનો લાભ મળશે