યુકે - ભારત મુક્ત વેપાર કરાર પર સંસદીય સમિતિએ ચેતવણીઓ ઉચ્ચારી

યુકેના એક્સપોર્ટ સપોર્ટ સ્ટાફમાં મોટાપાયે છટણીથી બિલિયનો પાઉન્ડના ટેરિફ સેવિંગ્સને ફટકો પડી શકે છેઃ બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટી

Tuesday 27th January 2026 09:15 EST
 

લંડનઃ ભારત સાથેના બ્રિટનના મુક્ત વેપાર કરારમાં કંપનીઓને મદદ કરી રહેલા યુકે એક્સપોર્ટ સપોર્ટ સ્ટાફમાં મોટા કાપને કારણે કરારથી થનારા બિલિયનો પાઉન્ડના ટેરિફ સેવિંગ્સને ફટકો પડી શકે છે તેવી ચેતવણી પાર્લામેન્ટ પેનલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

બ્રિટનના વેપાર કરારોની ચકાસણી કરતી હાઉસ ઓફ કોમન્સની બિઝનેસ અને ટ્રેડ કમિટીએ ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પરની પોતાની સમીક્ષા રજૂ કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે યુકેમાંથી ભારત ખાતે માલસામાનની નિકાસ કરનારા નિકાસકારો શરૂઆતમાં પ્રતિ વર્ષ 400 મિલિયન પાઉન્ડનું ટેરિફ સેવિંગ્સ કરી શકશે જે આગળ જતાં 10 વર્ષમાં 3.2 બિલિયન પાઉન્ડ સુધી પહોંચી શકે છે.

કમિટીના અધ્યક્ષ લિયામ બાયર્ને જણાવ્યું હતું કે, ભારત સાથેનો વેપાર કરાર અત્યંત મહત્વનો છે કારણ કે તેનાથી નિકાસકારોના ટેરિફના બિલિયનો પાઉન્ડ બચશે, આર્થિક વિકાસ થશે અને નવા રોજગાર પણ સર્જાશે. પરંતુ એકતરફ સરકાર મુક્ત વેપાર કરારને માન્યતા આપવા સંસદને અપીલ કરી રહી છે તો બીજી તરફ નવા વેપાર કરારમાં નિકાસકારોને મદદ કરવા માટે જરૂરી એક્સપોર્ટ સ્ટાફમાં લગભગ 40 ટકાનો કાપ મૂકી ચૂકી છે. જે એક ગંભીર જોખમ કહી શકાય. કરારની ચકાસણી દસ્તાવેજને અમલમાં મૂકીને નવા નફા રળવા માટે છે તેથી હવે સરકારે કરારને મૂર્તિમંત કરવા માટે વાસ્તવિક સ્ત્રોતો સાથેની યોજના સ્પષ્ટ કરવી જોઇએ.

કમિટીએ સરકારને વેપાર કરારના અમલ માટે સક્રિય ભુમિકા ભજવવા, નિકાસકારોને સપોર્ટ કરવા અને સંભવિત અવરોધો દૂર કરવા અપીલ કરી છે. કમિટીએ એવી પણ ચેતવણી આપી છે કે ભારતની જટિલ વહીવટી સિસ્ટમ, લાલ ફિતાશાહી કરારના સંભવિત લાભોને વાસ્તવિક બનાવવામાં મુશ્કેલી પેદા કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter