લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સની સિલેક્ટ કમિટીએ યુકે અને ભારત વચ્ચે થયેલા મુક્ત વેપાર કરારની વિવિધ જોગવાઇઓની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે કરારમાં યુકેના સંખ્યાબંધ હિતોની બાદબાકી કરી નાખવામાં આવી છે. જોકે ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ કમિટીએ બંને દેશ વચ્ચેના વેપાર કરારને ઐતિહાસિક ગણાવતા મહત્વની સિદ્ધી ગણાવ્યો હતો.
સિલેક્ટ કમિટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુકે સરકારે લીગલ સર્વિસિઝ, ફાઇનાન્સિયલ સ4વિસિઝ માટે નવા બજારની ઉપલબ્ધતા અને પરસ્પર પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સ માટે અંતિમ વ્યવસ્થા માટે કરારમાં કોઇ દ્વિપક્ષીય મૂડીરોકાણ સંધિ કરી નથી. જ્યારે ભારતને મોબિલિટીના મુદ્દા પર એવો કોઇ ખાસ લાભ થયો નથી.
કમિટીએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અમને લાગે છે કે કરારમાં તબક્કા અને ક્વોટાની કાર્યવાહી નક્કી થાય ત્યાં સુધી યુકેના નિકાસકારોને રાહ જોવી પડશે. બીજીતરફ ભારતીય નિકાસકારોને તાત્કાલિક અસરથી લાભ મળવાના શરૂ થશે.
સ્કોટિશ વ્હિસ્કી એસોસિએશને ઇન્કવાયરીમાં જણાવ્યું હતું કે, કરારના સંપુર્ણ લાભ આગામી એક દાયકા સુધી મળે તેવી સંભાવના નથી. ભારતમાં નોન ટેરિફ અવરોધો પણ રૂમમાંના હાથી સમાન છે.


