યુકે - ભારત વચ્ચે જેટકો મીટિંગ

Thursday 30th July 2020 06:03 EDT
 

નવી દિલ્હી, લંડનઃ યુકે અને ભારત વચ્ચે ૨૪ જુલાઈએ જોઈન્ટ ઈકોનોમિક એન્ડ ટ્રેડ કમિટી (JETCO)ની ૧૪મી મીટિંગ નવી દિલ્હી ખાતે વર્ચ્યુઅલ યોજાઈ હતી. બે દેશો વચ્ચે મુખ્ય દ્વિપક્ષી સંસ્થાકીય માળખા જેટકોની સ્થાપના ૧૫ વર્ષ અગાઉ ૨૦૦૪માં થઈ હતી. ૧૪મી વાર્ષિક જેટકો મીટિંગ ભારતના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલ અને યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડના સેક્રેટરી ઓફ સ્ટેટ મિસ એલિઝાબેથ ટ્રસ ઉપસ્થિત હતાં.

એક સપ્તાહ અગાઉ, ભારતના મિનિસ્ટર ઓફ સ્ટેટ હરદીપસિંહ પુરી અને યુકેના મિનિસ્ટર ઓફ સ્ટેટ રાનિલ જયવર્દનાએ બે દેશ વચ્ચે માર્કેટ પહોંચના મુદ્દાઓ ચર્ચવા પ્રી-જેટકો બેઠક યોજી હતી. બ્રેક્ઝિટ પછીના સમયમાં યુકે સ્વતંત્ર ટ્રેડ પોલિસીના માર્ગે આગળ વધી રહ્યું છે. ત્યારે બંને દેશ વેપારસોદામાં પ્રગતિ તેમજ તબક્કાવાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર સંબંધે આગળ વધવા કટિબદ્ધ છે. આ પ્રગતિને ઝડપી બનાવવા બંને દેશના મિનિસ્ટર ઓફ સ્ટેટ દર મહિને બેઠક યોજશે. આ પછી, મિનિસ્ટર ગોયલ અને મિસ ટ્રુસ વચ્ચે ઓટમ ૨૦૨૦માં વધુ એક બેઠક યોજાશે.

જોઈન્ટ વર્કિંગ ગ્રૂપ્સ દ્વારા બંને દેશના મિનિસ્ટરને જેટકો મીટિંગમાં ફૂડ એન્ડ ડ્રિન્ક, ICT અને લાઈફ સાયન્સીઝ ક્ષેત્રોમાં ભલામણો રજૂ કરવામાં આવી હતી. ગત જેટકો મીટિંગમાં વેપાર અવરોધો દૂર કરવા પસંદ કરાયેલા પાંચ પ્રાયોરિટી સેક્ટર્સના આ ત્રણ સેક્ટર છે. અન્ય બે સેક્ટર કેમિકલ્સ અને સર્વિસીસના છે.

વિશ્વમાં ભારત અને યુકે અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ક્રમના વિશાળ અર્થતંત્રો છે. બંનેમાં સર્વિસ સેક્ટર પ્રભાવશાળી છે અને મૂડી તથા કુશળ માનવશક્તિની પ્રાપ્યતા બાબતે પરસ્પર પૂરક છે. ગત વર્ષે મિનિસ્ટર ગોયલે બંને દેશોની શક્તિનો ઉપયોગ કરવા ‘યુકેમાં ડિઝાઈન, ભારતમાં ઉત્પાદન અને વિશ્વમાં વેચાણ’ની શક્યતા તપાસવાનો વિચાર વહેતો મૂક્યો હતો. ભારત અને યુકે વચ્ચે ૨૦૧૯માં દ્વિપક્ષી વેપાર ૨૪ બિલિયન પાઉન્ડનો હતો જે બિઝનેસીસ અને સરકારો માટે પ્રોત્સાહક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter