યુકે-ભારત વચ્ચે માહિતીની આપ-લેના કરાર

Wednesday 17th January 2018 06:21 EST
 
 

લંડનઃ બ્રિટન અને ભારત સરકાર વચ્ચે ચાવીરુપ સમજૂતીઓ આગળ વધારવા પર હસ્તાક્ષર કરાયા છે જેના પરિણામે યુકેસ્થિત ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ભારત પરત મોકલવા અને આંતરરાષ્ટ્રીય ગુનાખોરીનો સામનો કરવામાં મદદ મળશે. મેમોરેન્ડ્મ્સ ઓફ અંડરસ્ટેન્ડિંગ તરીકે ઓળખાતા બે દસ્તાવેજ પર ઈમિગ્રેશન મિનિસ્ટર કેરોલિન નોક્સ અને ભારતના હોમ એફેર્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ ગુરુવાર ૧૧ જાન્યુઆરીએ હસ્તાક્ષર કર્યાં હતાં. આ બે સમજૂતી ગાઢ સંબંધો ધરાવતા બંને દેશો વચ્ચે વધતા સહકારનું પ્રતીક છે.

ક્રિમિનલ રેકોર્ડ્સ એક્સચેન્જ સમજૂતીના કારણે બ્રિટિશ અને ભારતીય લો એન્ફોર્સમેન્ટ સંસ્થાઓ ક્રિમિનલ રેકોર્ડ્સની માહિતી, ફિંગરપ્રિન્ટ્સ અને ઈન્ટેલિજન્સની આપ-લે કરી શકશે. સેક્સ ઓફેન્ડર્સ સહિત જાણીતા અપરાધીઓથી પ્રજાને રક્ષવામાં પોલીસને સહાય મળશે. આ ઉપરાંત, બંને દેશની અદાલતોને વધુ કડક સજાના નિર્ણયને ટેકારુપ વધુ માહિતી મેળવવામાં મદદ થશે.

બીજી તરફ, ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને સ્વદેશ પરત મોકલવાની સમજૂતી યુકેમાં વસવાનો અધિકાર નહિ ધરાવતા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત મોકલવાની અસરકારક ડોક્યુમેન્ટેશન પ્રક્રિયા ઝડપી બનાવશે. ભૂતકાળમાં કેટલાક ભારતીયો પાસે જરુરી પેપરવર્ક અથવા પ્રવાસ દસ્તાવેજોના અભાવે તેમના દેશમાં સ્વીકારવાનું મુશ્કેલ બન્યું હતું. આ સમજૂતીથી બંને દેશો વ્યક્તિઓની ઓળખ અને નાગરિકતાની ચકાસણી કરવા બાબતે વધુ સરળ અભિગમની પ્રતિબદ્ધતા દાખવશે, જેનાથી પાછા ફરવાની પ્રક્રિયા ઝડપી બનશે.

ઈમિગ્રેશન મિનિસ્ટર મિસ કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે, ‘ભારતીય હોમ મિનિસ્ટરને યુકેમાં આવકારતા મને આનંદ થાય છે. ક્રિમિનલ રેકોર્ડ્સ એક્સચેન્જ અને રિટર્ન્સની મહત્ત્વની સમજૂતીઓ બંને દેશોને લાભદાયી છે. મિનિસ્ટરની મુલાકાત મંત્રણાઓની વર્તમાન પ્રક્રિયાનો ભાગ હોવા સાથે આપણા બે દેશો વચ્ચે મજબૂત અને રચનાત્મક સંબંધો દર્શાવે છે. મારાં પૂરોગામીએ ગત નવેમ્બરમાં ભારત મુલાકાત વેળાએ જણાવ્યું હતું તેમ અમે આપણા બે મહાન દેશો વચ્ચે પ્રજા, આઈડિયા, સંસ્થાઓ અને ટેકનોલોજીના જીવંત સેતુઓ સ્થાપવા કટિબદ્ધ છીએ. આ નવી સમજૂતીઓ આપણા મજબૂત સંબંધોનું વધુ એક ઉદાહરણ છે.’

કયા પ્રકારની માહિતીનો વિનિમય કરાશે તેમજ માહિતીના ઉપયોગ અથવા જાહેર કરવા પર નિયંત્રણની વિગતો સહિતની કાર્યરત પ્રક્રિયાઓ વધુ મંત્રણાઓને આધીન રહેશે. જોકે, પ્રાઈવસી, નાગરિક સ્વતંત્રતા અને માનવ અધિકારોનું માન રાખવાની જરુરિયાત પર આ દસ્તાવેજોએ ભાર મૂક્યો છે.

મિસ નોક્સના પુરોગામી બ્રેન્ડન લૂઈની નવેમ્બર ૨૦૧૭માં સફળ ભારત મુલાકાતના પગલે તેમના આમંત્રણને માન આપી કિરણ રિજિજુ લંડનની મુલાકાતે આવ્યા છે. આ બે સમજૂતીઓને સત્તાવાર સ્વરુપ આપવા સાથે રિજિજુએ હીથ્રો એરપોર્ટની મુલાકાત લઈ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા બાયોમેટ્રિક્સ અને ઈ-પાસપોર્ટ ગેટ્સ જેવી ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરાય છે તેની જાતમાહિતી મેળવી હતી. સંગત એડવાઈઝ સેન્ટરના કાંતિભાઈ નાગડાએ આ સમજૂતી વિશે ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર બ્રિટિશ યુક્તિઓનાં ભુલાવામાં આવી ગઈ છે. આ કરારથી કાયદેસર કે ગેરકયદેસર ભારતીય નાગરિકોનું રક્ષણ થતું નથી. શું બ્રિટિશ સરકાર વિજય માલ્યાને ભારત પરત મોકલશે? બ્રિટિશ બેન્ક્સ ભારતમાં રહેતા ભારતીય નાગરિકો દ્વારા ખોટા માર્ગે મેળવાયેલા નાણાની અને તેમના એકાઉન્ટ્સની જાહેરાત કરશે ખરી?  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter