લંડનઃ ગયા સપ્તાહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય બ્રિટન મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચે બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. 3 વર્ષની લંબાણપુર્વકની મંત્રણાઓ બાદ 24 જુલાઇ ગુરુવારના રોજ લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીની હાજરીમાં બ્રિટનના બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ અને ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયેલે ઐતિહાસક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં. વેપાર કરારનો ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 150 બિલિયન ડોલર પર લઇ જવાનો છે. વેપાર કરારના કારણે બંને દેશ વચ્ચેના વેપારમાં વાર્ષિક 34 બિલિયન અમેરિકન ડોલરનો વધારો થશે.
વેપાર કરારના ભાગરૂપે ભારત તેની ટેરિફ લાઇનમાં 90 ટકાનો ઘટાડો કરશે અને ભારતમાં બ્રિટિશ આયાતો પરનો ટેરિફ 15 ટકાથી ઘટીને 3 ટકા પર આવી જશે. ભારત બ્રિટનની સ્કોચ વ્હિલ્કી પરની જકાત તાત્કાલિક અસરથી 150 ટકાથી ઘટાડીને 75 ટકા કરશે અને આગામી 10 વર્ષમાં તે ઘટાડીને 40 ટકા કરી દેવાશે. તેવી જ રીતે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ પરની ટેરિફ તબક્કાવાર 110 ટકાથી ઘટાડીને 10 ટકા કરાશે.
બીજીતરફ યુકેમાં થતી ભારતીય નિકાસો પૈકીની 99 ટકા વસ્તુઓ પરનો ટેરિફ ઘટાડીને શૂન્ય કરાશે. જેમાં ટેક્સટાઇલ, જનરિક ડ્રગ્સ, મેડિકલ ડિવાઇસ, લેધર ગૂડ્સ, એગ્રિકલ્ચર અને કેમિકલ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. ભારતે તેના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખતાં ડેરી ઉત્પાદનો, ખાદ્યતેલો અને સફરજનની આયાત પરનો ટેરિફ યથાવત રાખ્યો છે જ્યારે બ્રિટન ભારતમાંથી આયાત થતા બાસમતી ચોખા, પ્રીમિયમ ચ્હા, મસાલા અને ફિશરીઝ ઉત્પાદનો પરનો ટેરિફ નાબૂદ કરશે. ભારત પણ બ્રિટનના 90 ટકા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડી રહ્યો છે જેના કારણે બ્રિટનની સ્કોચ વ્હિસ્કી, કાર, બ્રાન્ડેડ મેક અપનો સામાન ભારતમાં સસ્તો બનશે.
યુકે – ભારત વેપાર કરારઃ હાઇલાઇટ્સ
- ભારતમાં નિકાસ થતી સ્કોચ વ્હિસ્કી પરનો ટેરિફ તાત્કાલિક અસરથી 150 ટકાથી ઘટાડીને 75 ટકા. 10 વર્ષમાં ટેરિફ ઘટાડીને 40 ટકા કરાશે
- કારના પ્રકાર પ્રમાણે આગામી 5થી 10 વર્ષમાં બ્રિટિશ કારો પરનો ટેરિફ 10 ટકા કરાશે, ઇલેક્ટ્રિક વ્હિકલ માટે ટેરિફ ચોક્કસ ક્વોટા અંતર્ગત 110 ટકાથી ઘટાડીને 10 ટકા કરાશે
- બ્રિટિશ કાયદા કંપનીઓ અને વકીલો ભારતમાં પ્રેકટિસ કરી શકશે, સામે પક્ષે ભારતીય કાયદા કંપનીઓ અને વકીલોને પણ બ્રિટનમાં પ્રેકટિસની પરવાનગી
- બ્રિટિશ ફાઇનાન્સિયલ સર્વિસિઝને ભારતમાં ઓપરેટ કરવાની પરવાનગી, કોઇ મર્યાદાઓ નહીં લદાય
- બ્રિટનથી આયાત થતા સોફ્ટ ડ્રિંક્સ અને કોસ્મેટિક્સ પરનો ટેરિફ 15 ટકાથી ઘટાડીને 3 ટકા કરાશે, ચોકલેટ અને બિસ્કિટ જેવા ખાદ્ય ઉત્પાદનો સસ્તાં થશે
- બ્રિટિશ મેડિકલ ડિવાઇસ અને એરોસ્પેસ પાર્ટ્સ પરની આયાત જકાતમાં ઘટાડો કરાશે, લેન્સ અ માઇક્રોસ્કોપ પરની આયાત જકાત 11 ટકાથી ઘટાડીને 0 ટકા
- બ્રિટનમાં ઉત્પાદિત મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ગેજેટ્સ પરનો ટેરિફ ઘટશે
- બ્રિટનથી આયાત થતા જૂતાં, કપડાં, ફેશન એસેસરિઝ પરની ડ્યુટી ઘટાડાશે
- આગામી 10 વર્ષમાં ચાંદીની આયાત પરની જકાત શૂન્ય કરાશે
- ભારતથી આયાત થતા બાસમતી ચોખા, ચીકન અને ઇંડા પર શૂન્ય જકાત
- ભારતથી આયાત થતી જેનરિક દવાઓ અને મેડિકલ ડિવાઇસ ડ્યુટી ફ્રી કરાશે
- ભારતથી આયાત થતા કપડાં, ચામડાંના ઉત્પાદનો પરનો ટેરિફ હટાવાશે
- યુકેમાં કામ કરવા જતા ભારતીય પ્રોફેશનલ્સને નેશનલ ઇન્શ્યુરન્સમાં 3 વર્ષની મુક્તિ