લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સની સિલેક્ટ કમિટી દ્વારા ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારની આકરી ટીકા બાદ હવે હાઉસ ઓફ કોમન્સમાં પણ વેપાર કરાર પરની ચર્ચામાં તમામ રાજકીય પાર્ટીઓના સાંસદો દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. શેડો ટ્રેડ સેક્રેટરી એન્ડ્રુ ગ્રિફિથે જણાવ્યું હતું કે, વડાપ્રધાન સ્ટાર્મર ભારતની મુલાકાત કરી ગરમાગરમ વાનગીની જગ્યાએ હવાઇ ગયેલા પાપડ લઇને સ્વદેશ પરત ફર્યા હતા.
ટ્રેડ મિનિસ્ટર ક્રિસ બ્રાયન્ટે કરારના બચાવમાં જણાવ્યું હતું કે, યુકેના બિઝનેસ આ કરારને સ્વાદિષ્ટ તંદુરીની જેમ જોઇ રહ્યાં છે. 2050 સુધીમાં ભારતમાં 25 કરોડ કરતાં વધુ લોકો હાઇ ઇન્કમ ધરાવતા હશે અને તે યુકેના નિકાસકારોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવશે.
જોકે તમામ પક્ષોએ સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે, કરારમાં યુકેની સર્વિસિઝ અને તેમાં પણ વિશેષ લીગલ સર્વિસિઝને સામેલ કરાઇ નથી. તે ઉપરાંત કરારમાં ભારતીય વર્કર્સ અને તેમને નોકરી આપનારી કંપનીઓને 3 વર્ષ માટે નેશનલ ઇન્શ્યુરન્સમાંથી મુક્તિ અપાઇ છે તેની પણ ટીકા કરવામાં આવી હતી.
સાંસદોએ જણાવ્યું હતું કે, યુકેના નિકાસકારોને ટેરિફમાં ઘટાડા માટે પાંચથી 10 વર્ષ રાહ જોવી પડશે જ્યારે ભારતીય નિકાસકારોને તાત્કાલિક લાભ અપાયો છે. સરકાર દ્વિપક્ષીય મૂડીરોકાણ સંધિ કરવામાં અને માનવ અધિકાર પરની જોગવાઇઓ લાગુ કરાવવામાં પણ નિષ્ફળ રહી છે.
સાંસદ ઇકબાલ મોહમ્મદે જણાવ્યું હતું કે, યુકેના બજારો ભારતમાંથી આયાત થતી સસ્તી વસ્તુઓથી ઉભરાઇ જશે. યુકેની સરકારે ધાર્મિક સહિષ્ણુતાને મહત્વ આપે તેવી આર્થિક કૂટનીતિ અપનાવવી જોઇએ. સાંસદોએ ભારતમાં રાજ્ય સ્તરે લદાતા જટિલ નિયંત્રણોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ગ્રિફિથે જણાવ્યું હતું કે આ કરારથી બ્રિટનના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ મોટો ફટકો પડશે. કરારમાં રહેલી ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શનની જોગવાઇની પણ આકરી ટીકા કરવામાં આવી હતી.
યુકે સાથેના વેપાર કરારનો એપ્રિલ 2026થી અમલ શરૂ થવાની સંભાવનાઃ ભારત
યુકે અને ભારત વચ્ચેના મુક્ત વેપાર કરારનો એપ્રિલ 2026થી અમલ શરૂ થવાની સંભાવના છે. બંને દેશ વચ્ચેના વેપાર કરાર પર 24 જુલાઇ 2025ના રોજ હસ્તાક્ષર કરાયા હતા. ભારત સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે એપ્રિલ 2026થી વેપાર કરારના અમલની અપેક્ષા રાખી રહ્યાં છે. હાલ યુકેની સંસદમાં વેપાર કરારને મંજૂરી માટે ચર્ચા ચાલી રહી છે. એકવાર બ્રિટિશ પાર્લામેન્ટની મંજૂરી મળી ગયા બાદ ભારતની કેન્દ્રીય કેબિનેટ દ્વારા મહોર મારવામાં આવશે.


