યુકે ભારત સાથે મહાન વેપાર કરાર કરવાની દિશામાં અગ્રેસર – કેમી બેડનોક

ભારતના બજારમાં બ્રિટિશ બિઝનેસોનો પ્રવેશ સરળ બનાવવા અમે ઉત્સુક – ટ્રેડ સેક્રેટરી

Tuesday 07th March 2023 13:06 EST
 
 

લંડન

યુકેના ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોકે જણાવ્યું છે કે યુકે ભારતના સર્વિસ સેક્ટર માટે વ્યાપક તકોના દ્વાર ખુલ્લા મૂકવા અને જકાતોમાં ઘટાડો કરવા માટે ભારત સાથે એક મહાન વેપાર કરાર કરવા જઇ રહ્યો છે. પોતાની પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કરતાં બેડનોકે જણાવ્યું હતું કે, મારું મંત્રાલય નવા વેપાર કરારની સાથે ઝડપથી વિકાસ કરી રહેલા ભારતીય અર્થતંત્રમાં બ્રિટિશ વેપાર ઉદ્યોગોન પ્રવેશને સરળ બનાવવા ઉત્સુક છે.

બેડનોકે ટ્રાન્સ પેસિફિક ભાગીદારીમાં યુકેના સમાવેશ માટે ચાલી રહેલી મંત્રણા અંગે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમના મતે આ ભાગીદારી ઇન્ડો-પેસિફિક રિજિયન માટે યુકેનો વ્યૂહાત્મક બદલાવ છે. આ ભાગીદારી ફક્ત માલસામાન અને સર્વિસિઝના નિકાસ પુરતી મર્યાદિત નથી. યુકે સરકાર બ્રિટનની લાંબાગાળાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભૌગોલિક વ્યૂહરચના બદલી રહી છે.

બેડનોકે જણાવ્યું હતું કે, આ મામલો લાંબાગાળાના વિકાસનો પણ છે. અહીંથી જ વૈશ્વિક મધ્યમ વર્ગનું ભાવિ ઘડાશે અને યુકેએ તેમાં મહત્વની ભુમિકા ભજવવાની જરૂર છે. તેના કારણે જ અમે ભારત સાથે એક મહાન વેપાર કરવા જઇ રહ્યાં છીએ. આ કરાર યુકેના સર્વિસ સેક્ટર માટે નવી તકોનું નિર્માણ કરશે. ભારતમાં વેપાર કરવો બ્રિટિશ બિઝનેસો માટે સરળ બની રહેશે.

બેડનોકે વેપાર કરારોને મોટરવે સાથે સરખાવ્યા હતા જેના પર નિકાસ અને મૂડીરોકાણની ગાડીઓ પૂરપાટ દોડી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, મારું મુખ્ય ધ્યાન વેપાર કરારો પર જ કેન્દ્રિત છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter