લંડન
બ્રિટનના ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ મિનિસ્ટર એલેક્સ ચાલ્ક કેસીએ જણાવ્યું હતું કે, યુનાઇટેડ કિંગ્ડમ ભારતના ઉત્તરપ્રદેશમાં ડિફેન્સ, એરોસ્પેસ અને મેડિકલ સેક્ટરમાં મોટાપાયે મૂડીરોકાણ કરશે. યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ખાતે લખનઉમાં ડિફેન્સ સેશનમાં કેસીએ જણાવ્યું હતું કે, લખનઉમાં આયોજિત જીઆઇએસ-23માં ભાગ લેવાનું મને ગૌરવ છે. આખા વિશ્વને ઉત્તરપ્રદેશમાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ આપવું એ એક મોટી સિદ્ધી છે. રાઇસ બાસ્કેટ તરીકે ઓળખાતા રાજ્યમાં આ કાર્યક્રમનો અમે હિસ્સો બની રહ્યાં છે.
ઉત્તરપ્રદેશમાં મૂડીરોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કેસીએ જણાવ્યું હતું કે, ભારતની સંરક્ષણ જરૂરિયાતોને પૂરી કરવાના મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં ઉત્તરપ્રદેશ મોટાપાયે ભુમિકા ભજવી રહ્યો છે. અમે તેની આ ભુમિકામાં મૂડીરોકાણ તેમજ વ્યૂહાત્મક શસ્ત્રોના ઉત્પાદન દ્વારા યોગદાન આપીશું. આ રીતે ઉત્તરપ્રદેશ ભારતની શસ્ત્રોની જરૂરિયાત પૂરી પાડશે. તે ઉપરાંત નિકાસની દ્રષ્ટિએ ઉત્તરપ્રદેશ પોતાને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરી શકશે.
કેસીએ જણાવ્યું હતું કે, સક્ષમ ઉત્તરપ્રદેશ ન કેવળ ભારત પરંતુ એશિયા પેસિફિક રિજિયન અને સમગ્ર વિશ્વ માટે મહત્વનું બની રહેશે. તેથી જ સમગ્ર વિશ્વ આશા અને અપેક્ષા સાથે ઉત્તરપ્રદેશના સુવર્ણ ભવિષ્ય તરફ મીટ માંડી રહ્યું છે.
આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુકેને ભાગીદાર દેશ ગણાવતા જણાવ્યું હતું કે, યુકેએ ન કેવળ સંરક્ષણ અને એરોસ્પેસ સેક્ટરમાં પરંતુ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં પણ મોટું યોગદાન આપ્યું છે. યુકેના મૂડીરોકાણકારોને ઉત્તરપ્રદેશમાં તેમના પ્રોજેક્ટ ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સંપુર્ણ સહકાર અપાશે.

