લંડનઃ યુકેમાં સેન્ટ્રલ બેન્કની ડિજિટલ કરન્સીની શક્યતા તપાસવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને ટ્રેઝરી દ્વારા ટાસ્કફોર્સ રચવાની જાહેરાત કરાઈ છે. નવા પ્રકારના ડિજિટલ નાણાની રચનામાં જોખમો અને તકોની ચકાસણી કરાશે. પરિવારો અને બિઝનેસીસ માટે બેન્ક દ્વારા જારી કરાયા પછી આ ડિજિટલ કરન્સી કેશ અને બેન્ક ડિપોઝીટનું સ્થાન નહિ લે પરંતુ, તેની સાથોસાથ કામ કરશે.
યુકે પાસે આવી કરન્સી હોવી જોઈએ કે નહિ તેના વિશે સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી પરંતુ, સરકાર અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડ તેના લાભાલાભ અને વ્યવહારુતા વિશે સ્ટેકહોલ્ડર્સ સાથે વ્યાપક ચર્ચા કરવા માગે છે. આ ટાસ્કફોર્સનું વડપણ ફાઈનાન્સિયલ સ્થિરતા માટેના બેન્કના ડેપ્યુટી ગવર્નર સર જોન કનલીફે અને ટ્રેઝરીમાં ફાઈનાન્સિયલ સર્વિસીસના ડાયરેક્ટર જનરલ કેથેરાઈન બ્રેડિક્ક સંભાળશે.
બેન્ક પોતાની આગવી ડિજિટલ કરન્સીને બિટકોઈન જેવી ક્રિપ્ટો-કરન્સીસ સહિત ખાનગી નાણાસર્જનના નવા પ્રકારોનું જોખમ ટાળવાના માર્ગ તરીકે નિહાળે છે. બેન્કે જણાવ્યું હતું કે,‘ જો CBDC દાખલ કરવામાં આવશે તો બેન્કનોટ્સની માફક જ પાઉન્ડ સ્ટર્લિંગનું ચલણ જ બની રહેશે. એટલે કે ૧૦ પાઉન્ડની CBDCનું મૂલ્ય હંમેશાં ૧૦ પાઉન્ડની નોટની સમકક્ષ રહેશે.’
અગાઉ, બેન્ક ઓફ ઈંગ્લેન્ડે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC)માં રસ જાહેર કર્યો હતો કારણકે સમયાંતરે નાણા અને પેમેન્ટ્સ પદ્ધતિમાં ગણનાપાત્ર પરિવર્તન આવેલું છે. તાજેતરના વર્ષોમાં નાણાકીય વ્યવહારોમાં રોકડનો ઉપયોગ સ્થિરપણે ઘટતો રહ્યો છે અને ડેબિટ કાર્ડ પેમેન્ટ્સમાં વધારો થતો રહ્યો છે. ક્રેડિટ કાર્ડ્સ અને ડાયરેક્ટ ડેબિટનો ઉપયોગ પણ વધી રહ્યો છે.