યુકે માટે નો ડીલ બ્રેક્ઝિટની સ્થિતિ કેવી હશે?

Sunday 20th December 2020 01:10 EST
 
 

લંડનઃ આ વર્ષની ૩૧ ડિસેમ્બરે બ્રેક્ઝિટ ટ્રાન્ઝિશન સમયગાળો પૂર્ણ થાય છે ત્યારે નવા વર્ષના આગમન સાથે બ્રિટને કેટલીક કપરી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. હજુ વાટાઘાટો થતી રહેવાની છે ત્યારે ડીલ થશે કે નહિ તે બાબત અનીર્ણિત છે. ઉદ્યોગો અને વિપક્ષી નેતાઓ નો-ડીલની અસરો ભારે નુકસાનકારી બની રહેવાનું કહી રહ્યા છે ત્યારે વડા પ્રધાન જ્હોન્સને ભારપૂર્વક કહે છે કે દેશ માટે તે અદ્ભૂત બની રહેશે. જોકે, નો ડીલથી યુકેના અર્થતંત્રના દરેક ક્ષેત્રો અને બ્રિટિશરો કેવી રીતે પ્રવાસ કરી શકશે તે બાબતોમાં ભારે પરિવર્તન જોવા મળશે.

ટ્રેડ અને ટેરિફ્સઃ ડીલ વિના યુકેએ વિશ્વ વેપાર સંગઠન (WTO)ની જોગવાઈઓ અનુસાર ઈયુ સાથે વેપારની ફરજ પડશે. આનો અર્થ એ છે કે યુકે અને ઈયુ તેમના આયાત માલસામાન પર ટેરિફ્સ લાદશે. કોન્ફડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI) અનુસાર યુકેની ૯૦ ટકા નિકાસો WTO ના ટેરિફ્સને પાત્ર બનશે. ટેસ્કો સહિતના સુપરમાર્કેટ્સ ચેઈન્સનો દાવો છે કે આના પરિણામે, વાર્ષિક ફૂડ બિલ્સમાં ૪થી ૫ ટકાનો વધારો થઈ જશે તેમજ શાકભાજી અને ફળો સહિતની કેટલીક પેદાશોની અછત જોવાં મળશે. બ્રિટિશ સરકાર દ્વારા આગવી ટેરિફ સિસ્ટમ લાગુ થવાના પરિમામે ઈયુ દેશોમાંથી આયાત કરાતા માલસામાનના ભાવ પણ વધશે. હાલ ઈયુમાં પ્રવેશતા ‘થર્ડ કન્ટ્રીઝ’ માલસામાન પર સરેરાશ ટેરિફ કૃષિપેદાશો માટે ૧૧.૧ ટકા, એનિમલ પ્રોડક્ટસ માટે ૧૫.૭ ટકા અને ડેરીપેદાશો માટે ૩૫.૪ ટકા છે.

ઈયુમાં પ્રવેશતાં સરહદી ચેકિંગ થવાના કારણે લોરીઝની લાંબી લાઈનો લાગશે. સરકારે કેન્ટમાં ૬,૦૦૦ લોરીની ક્ષમતાના પાર્કિંગની વ્યવસ્થા કરી છે. ચેનલની પાર સામાન લઈ જવા પરમિટની જરુર પડશે પરંતુ, બ્રિટિશ ફર્મ્સને આગામી વર્ષ માટે ૨,૦૦૦થી ઓછી પરમિટ અપાઈ છેય હાલ યુકેની લોરીઝ દ્વારા અંદાજે સરેરાશ વાર્ષિક ૧૦,૦૦૦ ટ્રીપ્સ કરાય છે. બીજી તરફ, કસ્ટમ્સ અને રેવન્યુ વિભાગની આગાહી છે કે નવા કસ્ટમ્સ ડેકલેરેશન્સ, લાયન્સીસ અને કેટલીક પેદાશો પર લેબલિંગ સહિત નવા નિયંત્રણોને અનુકૂળ થવા બ્રિટિશ ફર્મ્સે વાર્ષિક વધારાના ૧૫ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવો પડશે.

પ્રવાસ-ટ્રાવેલઃ નો-ડીલની સ્થિતિમાં વિમાનોને ૨૦૨૦ના અંત અગાઉ અપાયા હોય તેવા સેફ્ટી સર્ટિફિકેટ્સ સાથે યુકે અને ઈયુ વચ્ચે વધુમાં વધુ છ મહિના સુધી ઉડવાની છૂટ અપાશે. જોકે, ઈઝીજેટ, બ્રિટિશ એરવેઝ અને રાયનએર સહિતની મુખ્ય એરલાઈન્સ ઈયુ કાયદાઓ માટે માન્ય નહિ ગણાય કારણકે ઈયુ બ્લોકમાં જ ઉડ્ડયનના ઓપરેટિંગ લાયસન્સ EU, EEA અને સ્વિસ નાગરિકોની માલિકીની કંપનીઓને જ અપાય છે. બંને પક્ષો ટ્રાવેલ રુટ્સ ખોરવાય નહિ તે માટે સંમત થયા હોવાં છતાં, મુશ્કેલી તો સર્જાશે. નો ડીલ થાય તો ચેનલ ટનલ નવ મહિના માટે ખુલ્લી રાખવા ફ્રાન્સ અને બ્રિટન સંમત થયા છે પરંતુ, આ પછીના સમયગાળા માટે નવો કાનૂની કરાર કરવાનો થશે.

જેઓ વિદેશ પ્રવાસ કરવા માગતા હોય તેમણે પોતાના પાસપોર્ટ પર ઓછામાં ઓછાં છ મહિનાની મુદત બાકી હોય તેની ચોકસાઈરાખવી પડશે. તેઓ બોર્ડર પર ઈયુની લાઈન્સમાં પ્રોયોરિટીની સુવિધા ગુમાવશે. બીજી તરફ, ઈયુએ બ્રિટિશરો ત્રણ વર્ષ સુધી ઈયુ દેશોની મલ્ટિપલ વિઝિટ કરી શકે તેની છૂટ આપવા ૨૦૨૨ના અંત સુધી વિઝા-વેઈવર પરમિટ લાવવાની ખાતરી આપી છે જેનો ખર્ચ આશરે ૬.૪૦ પાઉન્ડ થશે. યુકેના પ્રવાસીઓ ઈયુની ટુંકી મુલાકાત લેતા હોય ત્યારે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ્સ જોઈશે કે કેમ તે મુદ્દે વાટાઘાટો ચાલી રહી છે. જોકે, પોતાનું વાહન લઈને જનારા લોકોએ તેમના ઈન્સ્યુરન્સ દસ્તાવેજોનું ‘ગ્રીન કાર્ડ’ પ્રૂફ સાથે રાખવું પડશે. બ્રિટિશરો વિદેશમાં બીમાર પડે તો સરકારી તબીબી સારવારનો અધિકાર ધરાવતા યુરોપિયન હેલ્થ ઈન્સ્યુરન્સ કાર્ડ (EHIC)ની સુવિધા પણ ગુમાવશે. હાલ યુકેના ૨૭ મિલિયન નાગરિકો આ કાર્ડની સુવિધા ધરાવે છે. નો-ડીલના કારણે તેમણે ઊંચા પ્રીમિયમ સાથેના ટ્રાવેલ ઈન્સ્યુરન્સ ખરીદવાની ફરજ પડશે.

મેડિસીન્સ અને સંશોધનઃ ડ્રગ ઈન્ડસ્ટ્રી ગ્રૂપ્સે આગાહી કરી છે કે દવાઓ પર સરહદી ચકાસણીના કારણે શરુઆતમાં છ સપ્તાહ જેટલો વિલંબ થઈ શકે છે. જો યુકે અને ઈયુ સ્ટાન્ડર્ડ્સ વિશે પારસ્પરિક એગ્રીમેન્ટ કરવામાં નિષ્ફળ રહે તો વધુ વિલંબની શક્યતા છે. આ સંદર્ભે હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે યુકેની ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓને ભારે વિલંબ નિવારવા દવાઓનો છ મહિનાનો સ્ટોક કરી રાખવા આદેશ આપ્યો છે. જોકે, ફાઈઝર કોરોના વાઈરસ વેક્સિનની ડિલિવરીમાં કોઈ જ રુકાવટ ન આવે તે બાબતે ખાસ સમજૂતી કરી લેવાઈ છે.

ડીલ વિના ઈયુ છોડવા સાથે ઈયુના હોરાઈઝન રિસર્ચ ફંડિંગ પ્રોગ્રામમાંથી યુકેની સામેલગીરીનો અંત આવશે. આ પ્રોગ્રામ થકી બ્રિટિસ યુનિવર્સિટીઓને મહત્ત્વના રિસર્ચ પ્રોજેક્ટ્સમાં રોકડ રકમ અને સહકાર મળતા હતા. જો બ્રિટિશ સંશોધકો આ પ્રોગ્રામમાંથી ગ્રાન્ટ્સ જીતે તો ઈયુએ ૧૫.૨ બિલિયન પાઉન્ડની કિંમતે સ્કીમ સાથે જોડાયેલા રહેવા યુકેને ઓફર કરી છે. જોકે, એગ્રીમેન્ટ ન થાય તો આવો નવો નેશનલ પ્રોગ્રામ ઘડવા મિનિસ્ટર્સે ખાતરી આપી છે.

અર્થતંત્ર અને બિઝનેસઃ નો- ડીલ બ્રેક્ઝિટની જ સંભાવના હોવાની ચેતવણી અને નિરાશાજનક આગાહીના પરિણામે ટુકેની કરન્સી સ્ટર્લિંગ પાઉન્ડ નીચે ગબડ્યો છે અને ૨૦૨૧માં તે વધુ નબળો પડશે તેવી આગાહી નાણાકીય સંસ્થાઓ અને અર્થશાસ્ત્રીઓ કરી રહ્યા છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી અનુસાર નો ડીલ બ્રેક્ઝિટથી યુકેના GDPમાં આશરે ૨ ટકાની ઘટ સર્જાશે અને ૨૦૨૧માં બેરોજગારી વધવાની સાથે ૮ ટકાની ઘટ થશે. યુકેની ફાઈનાન્સિયલ સર્વિસીસે આ સ્થિતિને હલ કરવા પગલાં લીધા છે અને ઘણી ફર્મ્સે યુકે અને ઈયુમાં ઓફિસ પણ સ્થાપી છે.

કોઈ સમજૂતી વિના યુકે અને ઈયુ વચ્ચે ડેટા શેરિંગ વ્યવસ્થાનો અંત આવી જશે. ડીલ થાય કે ન થાય તેમ છતાં, ભાવિ વેપાર માટે બિઝનેસીસને સપ્લાયર્સ અને કસ્ટમર્સ સાથે વ્યવહારમાં આ ડેટા મહત્ત્વપૂર્ણ ગણાય છે. ઈયિમાં કાર્સ અને પાર્ટ્સની નિકાસ પર વધારાની ૧૦ ટકા ટેરિફથી યુકે ઓટો ઈન્ડસ્ટ્રી ટેરિફની અસરો મુદ્દે ચિંતામાં છે. આનો અર્થ એ છે કે ઈયુમાં વેચાનાર બ્રિટિશ કારની કિંમત આશરે ૩,૦૦૦ યુરો વધી જશે. આ ઉપરાંત, ફીશિંગ ઈન્ડસ્ટ્રી બાબતે પણ સમસ્યા સર્જાશે.

નોર્ધર્ન આયર્લેન્ડઃ ઈયુ સાથે ડીલ થાય કે ન થાય વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટના ભાગરુપે કરાયેલા ધ નોર્ધર્ન આયર્લેન્ડ પ્રોટોકલ અમલી બની જશે. આ સમજૂતી મુજબ આયર્લેન્ડ ટાપુ પરની અદૃશ્ય ભૂમિ સરહદ ખુલ્લી રહેશે જેનાથી, પાસપોર્ટમુક્ત અવરજવરની છૂટ મળશે તેમજ ગુડ ફ્રાઈડે પીસ એગ્રીમેન્ટ હેઠળની વ્યવસ્થા પણ યથાવત રહેશે. ડીલ થવા સાથે નોર્ધર્ન આયર્લેન્ડ યુકેની કસ્ટમ્સ ટેરિટરીમાં રહેવા સાથોસાથ ઈયુના કસ્ટમ્સ અને સ્ટાન્ડર્ડ્સ નિયમો સાથે સંકળાયેલું રહેશે. કહેવાતા વિશ્વાસુ ટ્રેડર્સને બ્રિટનથી જતા માલસામાન પર ટેરિફ્સમાં ત્રણ વર્ષની માફી મળશે તેમજ આ સમયગાળામાં ગ્રેટ બ્રિટન અને નોર્ધર્ન આયર્લેન્ડ વચ્ચે હેરફેર કરાતી પ્રોડક્ટ્સ માટે એક્ઝિટ અથવા એક્સપોર્ટ ડેકલેરેશન્સ કરવાની કોઈ જરુર રહેશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter