લંડનઃ યુકે અને યુએસ વચ્ચેની ટ્રેડ ડીલમાં વેસ્ટમિન્સ્ટરની બહાર બહુ ઓછા જાણીતા એવા વરૂણ ચંદ્રાએ મહત્વની ભુમિકા ભજવી છે. વરૂણ ચંદ્રા વડાપ્રધાન સ્ટાર્મરના બિઝનેસ એડવાઇઝર છે. ડીલ પહેલાં તેમણે યુએસના કોમર્સ સેક્રેટરી હાવર્ડ લુટનિક અને પ્રતિનિધિ જેમિસન ગ્રીયર સાથે વ્યાપક ચર્ચા કરી હતી.
આમ તો વરૂણ ચંદ્રા બ્રિટિશ સરકારમાં કોઇ સત્તાવાર ભુમિકા ભજવતા નથી પરંતુ વોશિંગ્ટનમાં તેમની હાજરી દર્શાવે છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તેઓ મહત્વનું વ્યક્તિત્વ બની ગયાં છે. વ્હાઇટ હોલના એક અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરના મહિનાઓમાં વરૂણ ચંદ્રા સરકારમાં મહત્વની કડી બન્યાં છે. તેમની ગણતરી હવે વડાપ્રધાનના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીને સમકક્ષ થવા લાગી છે.
ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રો કહે છે કે સમગ્ર સરકારમાં ચંદ્રા લોકપ્રિય છે. મહત્વના નિર્ણયોમાં મંત્રીઓને તેમના દ્વારા અપાતી સલાહો અમૂલ્ય પૂરવાર થઇ રહી છે. ચંદ્રાના મિત્ર બેન વેગ પ્રોસેર કહે છે કે ટ્રમ્પ સરકારે એક અલગ પ્રકારની જ રાજકીય સ્થિતિનું નિર્માણ કર્યું હતું. વરૂણ આ સ્થિતિને સારી રીતે સમજી શક્યાં છે અને તેમણે સરકારને સલાહ આપવામાં મહત્વની ભુમિકા ભજવી છે.
વડાપ્રધાન સ્ટાર્મરની નિકટના વર્તૃળમાં વરૂણ ચંદ્રા અલગ જ તરી આવે છે કારણ કે તેઓ રાજકીય અને સિવિલ સર્વિસમાંથી નહીં પરંતુ કોર્પોરેટ સેક્ટરમાંથી આવે છે. 34 વર્ષની નાની વયે તેઓ કોર્પોરેટ ઇન્ટેલિજન્સ કંપની હેક્યુતના મેનેજિંગ પાર્ટનર બન્યાં હતાં.